ભારતના યુવા ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીએ દોહામાં યોજાયેલી FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. અર્જુને કુલ 9.5 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી અને વર્લ્ડ ચેમ્પિયન મેગ્નસ કાર્લસનથી માત્ર એક પોઈન્ટ પાછળ રહ્યો.
13 મેચની સ્પર્ધામાં અર્જુને માત્ર બે જ મેચ હારી હતી. તે સિલ્વર મેડલ વિજેતા વ્લાદિસ્લાવ આર્ટેમીવ અને તુર્કીના યુવા ખેલાડી યાગીઝ કાન એર્ડોગમુસ સામે પરાજિત થયો હતો. 9.5 પોઈન્ટ સાથે ચાર ખેલાડીઓ સમાન સ્કોર પર રહ્યા, પરંતુ ટાઈબ્રેકના આધારે અર્જુનને બ્રોન્ઝ મેડલ મળ્યો.
આ સિદ્ધિ સાથે અર્જુન એરિગૈસી મહાન વિશ્વનાથન આનંદ બાદ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી બન્યા છે, જે ભારતના ચેસ ઇતિહાસ માટે ગૌરવની ક્ષણ છે.
વડાપ્રધાન મોદીએ આપ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને અર્જુનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે લખ્યું કે, દોહામાં વર્લ્ડ રેપિડ ચેમ્પિયનશિપના ઓપન વિભાગમાં બ્રોન્ઝ મેડલ જીતવું ગૌરવની વાત છે અને અર્જુનનો જુસ્સો પ્રશંસનીય છે.
ચંદ્રબાબુ નાયડુએ પણ વખાણ્યા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ પણ અર્જુનને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે, તે વિશ્વનાથન આનંદ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય છે. તેમણે અર્જુનને “તેલંગાણાનો પુત્ર” કહી ભારતના સમૃદ્ધ ચેસ વારસામાં નવો અધ્યાય ઉમેર્યો હોવાનું જણાવ્યું.
કોનેરુ હમ્પીનો પણ બ્રોન્ઝ વિજય
મહિલા વર્ગમાં ભારતીય ચેસ સ્ટાર કોનેરુ હમ્પી ત્રીજો વર્લ્ડ રેપિડ ખિતાબ જીતવાથી ચૂકી ગઈ, પરંતુ તેણે બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું. ચંદ્રબાબુ નાયડુએ હમ્પીને પણ અભિનંદન પાઠવતા કહ્યું કે, મોટા મંચ પર સતત સારું પ્રદર્શન કરવું જ સાચી ચેમ્પિયનશિપ દર્શાવે છે.


Leave a Comment