ખેડૂતોની ચિંતા વધી ; ગુજરાતમાં કમોસમી વરસાદનો માહોલ, 6 જિલ્લામાં યલો એલર્ટ

by

Thenewsdk

Updated: 24-02-2026, 11.35 AM

Follow us:

હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં તેજ પવન સાથે છૂટાછવાયા ઝાપટાં પડી શકે છે, અને કેટલાક સ્થળોએ વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં માવઠાની શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં પવન સાથે હળવો વરસાદ પડી શકે છે.

ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી સહિતના વિસ્તારો અને કચ્છ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ

અમદાવાદમાં સોમવારે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. સાંજ બાદ અને ખાસ કરીને રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, ગોતા અને ચાંદલોડિયા વિસ્તારમાં ઝાપટાં નોંધાયા,

જ્યારે પ્રહલાદનગર, સરખેજ અને શિવરંજની તરફ પણ વરસાદ પડ્યો હતો. મંગળવારે વહેલી સવારથી ઠંડા પવન અને ભેજને કારણે શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું, જેના કારણે દ્રશ્યતા ઓછી થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

24 ફેબ્રુઆરી પછી હવામાનમાં ફેરફાર થવાની સંભાવના

હવામાન વિભાગ મુજબ 24 ફેબ્રુઆરી પછી રાજ્યમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના છે અને મોટા ભાગે વાતાવરણ સુકું રહે તેવી આગાહી છે. જોકે તાપમાનમાં હલચલ ચાલુ રહેશે. બપોર દરમિયાન મહત્તમ તાપમાન આશરે 34 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે,

જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. સાથે જ આગામી દિવસોમાં રાત્રિ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે ઠંડીમાં થોડો વધારો અનુભવાઈ શકે છે.

ખેડૂતોમાં ચિંતા વધી

આ અસ્થિર હવામાનથી સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે. ખાસ કરીને રવિ પાકની કાપણીના સમયમાં પડેલા આ માવઠાને કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે. ઘઉં, જીરું અને રાયડો જેવા પાકને વરસાદથી નુકસાન થવાની ભીતિ છે. અચાનક બદલાતા હવામાનને કારણે કૃષિ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી છે અને ખેડૂતો આગાહી પર નજર રાખી સાવચેતી અપનાવી રહ્યા છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.