GUJARAT

BJPના એક મહિનામાં 92 લાખ સભ્યો બન્યા: યજ્ઞેશ દવે

ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું જેને 1 મહિના જેટલો સમય વિતી ચૂક્યો છે, પરંતુ ભાજપ લક્ષ્યથી ઘણું દૂર છે. જી હા દોઢ માસ ચાલનારા આ અભિયાન અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે 1.75 કરોડ કુલ સભ્યો બનાવવાનો લક્ષ્ય રાખ્યો છે.

1 મહિનામાં 92 લાખ સભ્યો જ બની શક્યા

પરંતુ 1 મહિનાના અંતે હજુ 92 લાખ સભ્યો જ બની શક્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ માટે સારી વાત એ છે કે દેશભરમાં સદસ્યતા અભિયાનમાં ટોપ 20 વિધાનસભા છે, જેમાં ગુજરાતની 8 વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં રાજકોટ ગ્રામ્ય, રાજકોટ ઉત્તર અને દક્ષિણ જેતપુર, શહેરા, અબડાસા અને લીંબડી વિધાનસભા છે. જેમાં 1 લાખથી વધારે સભ્યો બની ગયા છે.

ત્યારે લઘુમતી પ્રભાવિત જમાલપુર, ખાડિયા, દાણીલીમડા, ચોર્યાસી, વેજલપુર સહિતની વિધાનસભામાં ભાજપને સભ્યો બનાવવામાં લોઢાના ચણા ચાવવા સમાન ઘટના થઈ રહી છે તો ભાજપના નેતાઓનો દાવો છે કે આગામી 15 દિવસમાં બાકી રહેલા 83 લાખ સભ્યો બની જશે તો હાલમાં ક્યાંક સદસ્યતા અભિયાન મંથર ગતિએ ચાલી રહ્યું છે, તેની પાછળના કારણ જણાવતાં યજ્ઞેશ દવેએ કહ્યું કે ક્યાંક વરસાદના કારણે તો ક્યાંક અન્ય કારણોસર કદાચ અભિયાનની ગતિ ધીમી હોય શકે છે.

પૈસા આપી સભ્ય બનાવવાની બાબતમાં કોઈ તથ્યતા નહીં: યજ્ઞેશ દવે

ગત વખતે અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ હતા એ સમયે માત્ર મિસ્ડ કોલ કરી સભ્ય બનાતું હતું તેમ છતાં 1.19 કરોડ સભ્યો બન્યા હતા, હાલમાં મિસ્ડ કોલ બંધ ફોર્મ ભરવાનું અને બાદ માં વેરીફીકેશન થયા બાદ સભ્ય બની શકાય છે એટલે કે આ વખતે પ્રોસેસ થોડી વધારે છે. એક બાબત ઉડીને આંખે વળગે એવી એ છે કે આ વખતે સદસ્યતા અભિયાન ચાલુ થયું, ત્યારથી સતત વિવાદ થઈ રહ્યા છે. ક્યાંક સ્કૂલના બાળકો અને તેના વાલીઓને ફરજિયાત સભ્ય બનાવી દેવામાં આવ્યા તો રાજકોટના ટંકારામાં ભાજપના નેતાઓ માટે કોલેજોના સંચાલકો ટોળા ભેગા કરે છે.

ત્યારે અમરેલીમાં નગરપાલિકાના કોન્ટ્રાક્ટના કર્મચારીઓને સભ્ય બનવા માટે સૂચના આપવામાં આવી છે તો ભાવનગરમાં પૂર્વ મેયર દ્વારા સભ્ય બનાવવા માટે હોસ્પિટલમાં પહોંચી કાકલૂદી કરતા જોવા મળ્યા અને 500 રૂપિયાની ઑફર પણ કરવામાં આવી હતી, આમ લક્ષ્ય વધારે હોવાથી ભાજપના નેતા યેન કેન પ્રકારે સભ્યો બનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે, પરંતુ ભાજપના નેતા યજ્ઞેશ દવેએ પૈસા આપવાની બાબતમાં તથ્યતાના હોવાનું જણાવ્યું છે.

15 દિવસમાં 83 લાખ સભ્યો કેવી રીતે બનશે તે એક સવાલ

હાલની પ્રદેશ ભાજપની સ્થિતિ જોઈએ તો ભાજપના ગત અભિયાન દરમિયાન 1.19 કરોડ સભ્યો બન્યા હતા તો ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને 1.83 કરોડ મત મળ્યા હતા, હાલની સ્થિતિ મુજબ દરરોજના આશરે 3 લાખ નવા સભ્યો બની રહ્યા છે, ત્યારે 15 દિવસમાં કેવી રીતે બાકી રહેલા 83 લાખ સભ્યો બનાવશે તેને લઈને સવાલ થઈ રહ્યો છે.  


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also
Close
Back to top button