Patan : પાટણના વૌવા ગામે પૂરનું તાંડવ: NDRF આવે તે પહેલાં યુવાનોએ 100થી વધુ લોકોને બચાવ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામે 7 થી 8 સપ્ટેમ્બર વચ્ચે આવેલા પૂરથી આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું. તૂટી ગયેલા રસ્તાઓ, ઘરોમાં ઘૂસેલું પાણી, 4000 હેક્ટર જેટલી ખેતીને થયેલું નુકસાન અને પશુઓના મોતે ગામને હચમચાવી નાંખ્યું.
બહારથી મદદ પહોંચવી અશક્ય બની ત્યારે ગામના 70 થી 80 જેટલા યુવાનો તરત જ એકજૂટ થઈ ગયા અને માત્ર 100 મિનિટમાં 100થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી લીધા. 10 થી 12 ફૂટ ઊંડા પાણીમાં દોરડા બાંધીને તેમણે સૌપ્રથમ સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને બચાવ્યા.
ખોરાક, રહેવાની વ્યવસ્થા અને કાચા માર્ગનું નિર્માણ પણ યુવાનો જ સંભાળતા રહ્યાં. NDRFની ટીમ ગામે પહોંચે તે પહેલાં જ મોટાભાગના લોકોનું રેસ્ક્યુ થઈ ચૂક્યું હતું.
પૂરના પહેલા ગામને એલર્ટ મળી ગયું હતું
ગામના આહિર રાજાભાઈ મહાદેવભાઈએ યાદ કર્યું કે ‘શાળાની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. સૌપ્રથમ બાળકો અને લોકોને શાળામાંથી બહાર કાઢ્યા. ત્યારબાદ રસ્તામાંથી પાણી નિકળી જાય તે માટે JCB બોલાવીને વ્યવસ્થા કરી. એ સમયે માત્ર એક જ વિચાર હતો જીવ બચાવવા.’ દુધાભાઈ આહિર જણાવે છે કે ‘પૂરના પહેલા ગામને એલર્ટ મળી ગયું હતું,
પરંતુ 24 કલાક સુધી કોઈ મદદ મળી શકી નહોતી. અમે યુવાનો ભેગા થઈ દોરડા બાંધીને 80થી વધુ લોકોને બહાર કાઢ્યા. અમુક યુવાનો તરતા ન આવડતા હોવા છતાં તેમણે હિંમત કરી જીવ બચાવ્યા.’
આપત્તિ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા
યુવાનોની આ એકતાએ સાબિત કર્યું કે આપત્તિના સમયે પહેલો સગો પાડોશી જ હોય છે. પશુઓ માટે ચારો ભેગો કરાયો, ખોરાક-રહેઠાણની તાત્કાલિક વ્યવસ્થા થઈ. સરકાર તરફથી સહાયની તજવીજ હાથ ધરાઈ છે, પરંતુ હાલ લોકો પુનર્વસનની માંગ કરી રહ્યા છે.
આ ઘટનાએ સ્પષ્ટ કર્યું કે આપત્તિ વ્યવસ્થાપનમાં યુવાનોની ભૂમિકા કેટલી અગત્યની છે. વૌવા ગામના યુવક મંડળે સાહસ, માનવતા અને એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ છે.