ઝીકા વાયરસનો એક પોઝીટીવ કેસ મળવા ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા સહિતના વાહકજન્ય રોગોને લઈ શહેરના ઝુંપડપટ્ટી વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા રાત્રિ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં શંકાસ્પદ તાવના 26 દર્દીઓ મળી આવ્યા હતા. આ તમામના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાનો એક કેસ નોંધાયો છે.
ગાંધીનગરમાં સેક્ટર-5માં ઝીકા વાયરસનો એક પોઝિટીવ કેસ નોંધાયા બાદ આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. જે તે સમયે સે-5 સહિત આજુબાજુના અન્ય વિસ્તારોમાં સર્વેલન્સ કરતા સમયે તાવના 17 કેસ મળી આવેલા, પરંતુ એકપણ દર્દીમાં ઝીકા વાયરસના લક્ષણો જોવા મળ્યા નહતા. આમછતાં તકેદારીના ભાગરૂપે ઝીકા વાયરસ ઉપરાંત મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિ સહિતના વાહકજન્ય રોગોને લઈ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરની ઝુંપડપટ્ટી તથા છાપરા વિસ્તારમાં તાવના દર્દીઓને શોધી કાઢવા માટે છેલ્લા ત્રણેક દિવસથી રાત્રિ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શહેરના નાગરિકોના સ્વાસ્થયનું રક્ષણ કરવા માટે થઈને એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરના સેક્ટર-2, 3, 5, 6, 7, 29 અને આદિવાડા વિસ્તારમાં આવેલી ઝુંપડપટ્ટી તથા છાપરા વિસ્તારમાં વાહકજન્ય રોગો માટે થઈને રાત્રિ સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતમાં આ વિસ્તારોમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો રહે છે. જેઓ દિવાળીની રજાઓ બાદ મુજરી કામ માટે પોતાના વતનથી પરત ફર્યા હોય છે. આ શ્રામિકો દિવસ દરમિયાન મજુરી કામ કરતાં હોવાથી તેમને મળવું મુશ્કેલ બને છે. આથી રાત્રિ સર્વે કરવાનું નક્કી કરાયું છે. આરોગ્ય વિભાગની 20 ટીમો કામે લગાડવામાં આવી છે. છેલ્લા બે દિવસથી રાત્રી સર્વે ચાલી રહ્યો છે. સર્વેમાં 2050થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. છાપરા વિસ્તારમાં 400 જેટલા લોકોની તપાસ કરવામાં આવી હતી. મેલેરિયાનો એક કેસ નોંધાતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. લોકોમાં મચ્છરજન્ય રોગો અંગે જાગૃતિ આવે તે માટે 500 જેટલી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટે જરૂરી સાવચેતીઓ રાખવા લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આરોગ્ય તંત્રના જણાવ્યાનુસાર દિવાળી પછી પાટનગરમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મજૂર વર્ગનું સ્થળાંતર થતું હોય છે. જેને લઈ મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાનો ભય વધી જાય છે. આ બાબતને ધ્યાને લઈ આરોગ્ય તંત્ર દ્વારા રાત્રિ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વે આગામી દિવસોમાં પણ ચાલુ રખાશે. લોકોને પણ પોતાના ઘરમાં ક્યાંય પાત્રોમાં પાણીનો ભરાવો ના થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
Source link