GUJARAT

Gandhinagar: રાજ્ય સરકાર દ્વારા 4 હજાર જૂના શિક્ષકોની ભરતી કરાશે

  • 2 હજાર શિક્ષકોની ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી થશે
  • 12 થી 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવામાં આવશે
  • gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

રાજ્ય સરકાર દ્વારા બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે. માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2 હજાર અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2 હજાર એમ કુલ મળી 4 હજાર જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે. ઉમેદવારોએ આગામી તા. 12-09-2024 થી તા. 26-09-2024ના રોજ gserc.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.  

કેબિનેટ મંત્રી ડૉ. કુબેર ડીંડોરએ એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. 

જૂના શિક્ષકોની ભરતીપ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે. એ અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતીપ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરવામાં આવશે.

આ લાભ એકવાર જ મળશે

આ જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહિ, જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતાં તે શિક્ષકની સેવા સળંગ ગણવાપાત્ર રહેશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલી ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.

જૂના શિક્ષક એટલે શું?

રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલમાં પહેલાં ટ્રસ્ટ ભરતી કરતું હતું, પરંતુ પછી 2011માં કેન્દ્રીયકૃત ભરતી થતી હતી. રાજ્ય સરકાર ટેટ-ટાટ પાસ ઉમેદવારોને જે-તે સંબંધિત ટ્રસ્ટને મોકલે અને ત્યાંથી નિમણૂક આપે. પહેલાં સ્થાનિક ઉમેદવારોને ભરતી કરવામાં આવતાં એટલે દૂર જવું ન પડતું, પછી એવા પ્રશ્નો ઊભા થયા કે કોઈનું વતન ખેડા હોય તો એને દૂરના જિલ્લામાં જવું પડતું, એટલે જૂના શિક્ષકોની ભરતીનો કોન્સેપ્ટ લાવ્યા આ જૂના શિક્ષકોની ભરતી એટલે માનો કે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 100 જગ્યા છે, એમાંથી 75 જે મેરિટમાંથી જ ભરાશે અને બાકીની 25 જગ્યા જે ઓલરેડી ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક છે એ લોકોની આમાંથી ભરતી થાય. માની લો કે જો કોઈ ખેડા જિલ્લાનો ઉમેદવાર કચ્છમાં નોકરી કરતો હોય તો હવે ખેડા જિલ્લામાં ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકની જગ્યા હોય તો તેને પછી વતનમાં આવવાની તક મળે, એનાં અમુક ધારાધોરણ હોય કે 5 વર્ષની નોકરી હોવી જોઇએ અને નિવૃત્તિના સમય આડે 2 વર્ષ કરતાં વધુ સમય હોય તો જ અરજી કરી શકે તેમજ ગણિત-વિજ્ઞાનના શિક્ષકની જગ્યા ખાલી હોય અને તે ગણિત વિજ્ઞાનના શિક્ષક હોય તો જ તેની નિયુક્તિ થઈ શકે.

વતન અને પરિવાર સાથે રહેવાનો લાભ આપવા નિર્ણય

રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગના ઠરાવમાં 1:3ના રેશિયાથી શિક્ષકોની ભરતી કરવાની જોગવાઇ હતી. આ ભરતી વર્ષ 2011માં થઇ ત્યારે જૂના શિક્ષકની ભરતી થઇ હતી. ત્યાર બાદ વર્ષ 2016ની ભરતીમાં શિક્ષક તરીકેનો ફિક્સ પગારનો સમયગાળો ગણવો કે નહિ એ પ્રશ્નનું નિરાકારણ લાવવામાં આવ્યું છે, જેમાં વતનથી દૂર નોકરી કરતા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકને વતનનો તથા કુટુંબ સાથે રહેવાનો લાભ મળે અને સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત થતું અટકે એનો પ્રશંસનીય નિર્ણય કરાયો છે એમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button