- ઢવાણા ગામે નદીમાં ટ્રેકટર ટ્રોલી તણાતા 17 લોકો પાણીમાં ગરકાવ થયા હતા
- નવ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા અને કુલ 8 લાપતા હતા
- 9નું રેસ્ક્યૂ કરાયું : શોધખોળમાં 7 મૃત્તદેહ મળ્યા
હળવદ : તાલુકાના ઢવાણા ગામે શીતળા સાતમના દિવસે ટ્રેક્ટરમાં બેસી નદી પાર કરી રહેલા 17 લોકો સાથેનું ટ્રેકટર પુરના પ્રવાહમાં તણાઈ ગયા બાદ નવ લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા અને કુલ 8 લાપતા હતા.
જે પૈકી બુધવાર સુધીમાં 7 મૃતદેહ શોધી કઢાયા છે. જયારે ઘણાદ ગામની નદીમાં 1 વ્યક્તિ તણાઈ હતી. જેનો પણ મૃતદેહ મળી આવતા કુલ મૃત્યુઆંક 8 થયો છે. વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ ઢવાણા ગામે ગત તા.25મીની રાત્રીએ ભારે વરસાદને કારણે નદીમાં પુર આવતા નવા ઢવાણા ગામ જવા માટે ટ્રેકટર ટ્રોલીમાં 17 લોકો બેસી નદી પાર કરી રહ્યા હતા. ત્યારે ટ્રેકટરપુરના પ્રવાહમાં તણાઈ જતા આ ઘટનામાં 9 લોકો બચી ગયા હતા. જો કે, NDRF અને વિવિધ તરવૈયાની ટીમ દ્વારા 48 કલાકની શોધખોળ બાદ 7 મૃતદેહ હાથ લાગ્યા છે. જયારે હજુ 1 વ્યક્તિ ઘણાંદ નદીના પ્રવાહમાં અને 1 બાળકી ઢવાણા નદીમાં લાપતા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ્ રણમલપુર તરફ્થી આવતી પેસેન્જર ભરેલી રીક્ષા ઘણાદ ગામની નદીમાં તણાયા બાદ 4 પેસેન્જર બચી ગયા હતા. જ્યારે હળવદના મહિલા લાપતા બન્યા બાદ બુધવારે સવારે નદીમાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો.
રેસ્ક્યૂ ટીમની શોધખોળમાં કુલ 8ના મૃતદેહ મળ્યા
વિજયભાઇ સુરેશભાઇ મકવાણા, રામદેવ પ્રવિણભાઇ મકવાણા, ઉ.15, જાનકીબહેન પ્રવીણભાઈ મકવાણા ઉ.32, રાજુબેન ગણપતભાઈ બારોટ ઉ.45, આશિષ સુરેશભાઈ બારોટ ઉ.12, ગીતાબહેન સુરેશભાઈ બારોટ ઉ.વ.16(તમામ રહે-નવા (ઢવાણા), અશ્વિનકુમાર હીરાભાઇ રાઠોડ, ઉ.30(રહે-જોરાવરનગર, તા-વઢવાણ), ધર્મિષ્ઠાબેન વજુભાઇ પટેલ (રહે.હળવદ).
હળવદથી સરાને જોડતો રોડ બે દિવસથી બંધ 20થી વધુ ગામોને મુશ્કેલી
હળવદ : તાલુકાના દિઘડીયા પાસે બ્રાહ્મણી નદી બે કાંઠે હાલ વહી રહી હોય જેના કારણે સરાથી હળવદ જવાનો રસ્તો જ બંધ થઈ જતા 20થી વધુ ગામોના લોકોને મુશ્કેલી ઊભી થઈ છે. ગામ લોકોના જણાવ્યા મુજબ છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમય થઈ ગયો છે. રાજકીય નેતાઓ દર ચૂંટણીમાં પુલ બનાવી દેવાનો વાયદો આપે છે. પરંતુ આજ દિન સુધી આ નદી પર પુલ બન્યો નથી. સાથે જ દર ચોમાસે નદીમાં પાણી આવે એટલે બેઠા પુલમાં ગામડા પડી જતા હોય છે અને રીપેરીંગ કરી વળી પાછો આ પુલ ચાલુ કરી દેવામાં આવે છે. જેથી વહેલી તકે અહીં નવો પુલ બનાવવામાં આવે તેવું દિઘડીયા સહિત 20થી વધુ ગામના લોકો માંગ કરી રહ્યા છે.
Source link