GUJARAT

Ahmedabad :શાંતિ એશિયાટિક સ્કૂલને આકરી શિક્ષા, ભારે દંડ કરવા માટે CBSEને ભલામણ

  • આગની ઘટનાને મોકડ્રિલ ગણાવી વાલીઓ, અધિકારીઓને ગુમરાહ કર્યા હતા
  • RTE કાયદાના ઉલ્લંઘન અન્વયે સ્કૂલને DEPOએ રૂ.10 હજારનો દંડ ફટકાર્યો
  • 11 જુલાઈના રોજ સ્કૂલમાં ઘટેલી આગની ઘટનાને વિદ્યાર્થી તેમજ વાલીઓથી છુપાવી હતી

આગની ઘટના છુપાવી ભૂલકાઓની જીંદગી સાથે ખેલનાર ચીરીપાલ ગ્રૂપ સંચાલિત શાંતિ એશિયાટિક સ્કૂલ સામે શિક્ષાત્મક કાર્યવાહી અને ઊંચો દંડ કરવા ડીઈઓ-ડીપીઈઓ દ્વારા CBSEને ભલામણ કરવામાં આવી છે. CBSEને પાઠવેલા પત્રમાં સ્પષ્ટ નોંધ્યુ છે કે, આગની ઘટના છુપાવી એ ગંભીર ગેરરીતિ, અનૈતિક્તા અને બેદરકારી કહી શકાય.

જેથી આ સ્કૂલ સામે એવી કડક કાર્યવાહી કરાય કે જે શિક્ષણ જગતમાં ઉદાહરણરૂપ સાબિત થાય. આરટીઈ કાયદાના ઉલ્લંઘન બદલ ડીપીઈઓ દ્વારા પણ સ્કૂલને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.અમદાવાદ શહેરનાં શેલા ખાતે આવેલી અને CBSE બોર્ડ સાથે જોડાયેલી શાંતિ એશિયાટિક સ્કૂલમાં ગત તા.11 જુલાઈએ બપોર પછી પ્રાથમિક વિભાગના બિલ્ડિંગમાં બીજા માળે ACના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ સાથે ધુમાડો ફેલાવાની ઘટના ઘટી હતી. નાના ભૂલકાંઓ ધુમાડાના ગોટાથી ગભરાઈ ગયા હતા. તેમ છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ મુદ્દે વાલીઓને કોઈ જાણ કરાઈ નહોતી. ત્યારબાદ હોબાળો મચતા મોકડ્રિલ હોવાનું કહી મામલે સગેવગે કરવાનો પ્રયાસ કર્યો હતો. ડીઈઓ કચેરીના એક અધિકારી ગુરુવારે સાંજે સ્કૂલમાં તપાસ માટે પહોંચ્યા પરંતુ તેમને યોગ્ય જવાબ મળ્યો નહોતો. એ પછી પોલીસ, ફાયર અને શિક્ષણ વિભાગ દ્વારા ફાયરને લઈ તપાસ હાથ ધરાઈ હતી જેમાં સ્કૂલને ક્લીનચીટ અપાઈ હતી. પરંતુ આવી ગંભીર ઘટનામાં વાલી, વિદ્યાર્થી અને શિક્ષણ વિભાગને અંધારામાં રાખી છેતરપિંડીભર્યું કૃત્ય કરવા બદલ દંડનીય પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી. પ્રથમ તબક્કે ડીઈઓ-ડીપીઈઓ દ્વારા સ્કૂલ સામે કડક કાર્યવાહી કરવા સીબીએસઈને પત્ર પાઠવવામાં આવ્યો છે. જિલ્લાના અધિકારીઓ દ્વારા CBSEને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે, શાંતિ એસિયાટીક સ્કૂલ દ્વારા CBSEનું જોડાણ મેળવતી લાગુ થયેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું છે.

આ સ્કૂલને CBSE સાથે જોડાણ મેળવવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ-2012માં એનઓસી આપવામાં આવી હતી. એ મંજૂરી વખતે લાગુ કરેલ શરતોનું આ સ્કૂલ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. 11 જુલાઈના રોજ સ્કૂલમાં ઘટેલી આગની ઘટનાને વિદ્યાર્થી તેમજ વાલીઓથી છુપાવી હતી. એટલુ જ નહી, સરકારના સત્તાવાળાઓને પણ આ અંગે કોઈ જાણ કરાઈ નહોતી. બીજા દિવસે વાલીઓ દ્વારા ઉહાપોહ કરાતાં આગની ઘટનાને મોકડ્રીલ દર્શાની તમામને ગુમરાહ કરવાનો પ્રયાસ કરાયો હતો. જે ગંભીર ગેરરીતિ, અનૈતિક્તા અને બેદરકારી કહી શકાય. આ ઘટના બાદ સ્કૂલને શો-કોઝ નોટીસ પાઠવવા સહિતની કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. આ દરમિયાન અમને જાણવા મળ્યુ છે કે, આગની ઘટના અંગે સ્કૂલ કમિટીને પણ જાણ કરવામાં આવી નહોતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button