NATIONAL

Delhi: મુસ્લિમ મહિલા માટે ત્રણ તલાક ખતરનાક : કેન્દ્ર

  • સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ તલાકના કેસીસમાં ઘટાડો થયો ન હોવાની કેન્દ્રની દલીલ
  • કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને આ અંગેના 2019ના કાયદાનો બચાવ કર્યો
  • 22 ઓગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યો હતો

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે ત્રણ તલાક સમાજમાં વૈવાહિક વ્યવસ્થા માટે ખતરનાક છે અને તે મુસ્લિમ મહિલાઓની હાલત દયનીય બનાવી દે છે.કેન્દ્ર સરકારે સોગંદનામું દાખલ કરીને આ અંગેના 2019ના કાયદાનો બચાવ કર્યો હતો. કેન્દ્ર સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમુદાયમાં ચાલી રહેલાં ત્રણ તલાક વિરુદ્ધના સુપ્રીમ કોર્ટના 2017ના ચુકાદા બાદ પણ તલાકના કેસીસમાં ઘટાડો થયો નથી. આ સંજોગોમાં તેને ક્રિમિનલાઇઝ કરવું જરૂરી છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે ત્રણ તલાકની પીડિતાઓની પાસે પોલીસ પાસે જવા સિવાય અન્ય કોઈ માર્ગ બચતો નથી. બીજી તરફ પોલીસ પણ આવા કેસીસમાં મજબૂર થઈ જતી હોય છે કેમ કે કાયદામાં કડક સજાની જોગવાઈ નહીં હોવાના કારણે આરોપી પતિ પર એક્શન લેવું મુશ્કેલ થઈ જતું હતું. વાસ્તવમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે જ્યારે કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે જાહેર કરી દીધા છે ત્યારે તેને ક્રિમિનલાઇઝ કરવાનો કોઈ મતલબ નથી. આ અરજીના સંદર્ભમાં કેન્દ્ર સરકારે કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને પોતાનો પક્ષ રાખ્યો છે.

કેરળના મુસ્લિમ સંગઠને કાયદા વિરુદ્ધ અરજી કરી છે

વાસ્તવમાં આ મહિનાની શરૂઆતમાં સમસ્ત કેરળ જમાઇતુલ ઉલેમાની તરફથી અરજી ફાઇલ કરવામાં આવી હતી. આ સુન્ની મુસલમાનોનું એક સંગઠન છે. અરજદારોએ મુસ્લિમ મહિલા (વિવાહ બાદ અધિકારોની રક્ષા) કાનૂન 2019ને ગેરબંધારણીય ગણાવ્યો હતો. અરજદારોનું કહેવું છે કે તે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. ધર્મના આધાર પર કોઈ પણ કાયદામાં તેને અપરાધ ગણાવી શકાય નહીં.

મૌલિક અધિકારોનું હનન : કેન્દ્ર

બીજી તરફ કેન્દ્ર સરકારે અરજદારોના દાવાને ફગાવી દેતાં જણાવ્યું છે કે ત્રણ તલાક મહિલાઓના મૌલિક અધિકારોનું હનન કરે છે. બંધારણમાં મહિલાઓને બરાબરીના અધિકારો આપવામાં આવ્યા છે. સંસદે સર્વસહમતીથી મહિલાઓના અધિકારોનું રક્ષણ માટે કાયદો બનાવ્યો છે. તેમાં લૈંગિક ન્યાય અને મહિલાઓની સમાનતાના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ આ અગાઉ પણ જણાવી ચુકી છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા પર તે વધારે ચર્ચા કરવા માંગતી નથી. કાયદો બનાવવાનું કામ સાંસદોનું છે અને તેમને તેમનું કામ કરવા દેવું જોઇએ.

કોર્ટ ગયા વર્ષે કાયદાની સમીક્ષા કરવા સહમત થઇ હતી

નોંધનીય છે કે 22 ઓગસ્ટ, 2017ના રોજ સુપ્રીમ કોર્ટે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક (તલાક એ બિદાહ)ને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. જો કે 23 ઓગસ્ટ 2023ના રોજ સુપ્રીમ કોર્ટ મુસ્લિમ વૂમન(પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ) એક્ટ, 2019ની વેલિડિટીની સમીક્ષા કરવા સહમત થઇ હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button