NATIONAL

Bhopal :પેંચ ટાઇગર રિઝર્વમાં બહેનોએ વાઘનું માસ્ક પહેરી ભાઈઓને રાખડી બાંધી

  • લોકોમાં વાઘની સુરક્ષાને લઈને જાગરૂકતા ફેલાવવા અનોખી પ્રથા અસ્તિત્વમાં આવી છે
  • પેંચ ટાઇગર રિઝર્વની આસપાસના 130 ગામોમાં પાછલા ત્રણ વર્ષથી સહેજ અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી
  • બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતાં પહેલાં પોતાના ચહેરા પર વાઘનું માસ્ક પહેરી લે છે

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર આમ તો દેશભરમાં બહેન સુંદર રીતે તૈયાર થઈને પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી તેનું મોઢું મીઠું કરાવે છે. પણ મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વની આસપાસના તમામ ગામો અને નાના શહેરોમાં પાછલા ત્રણ વર્ષથી સહેજ અલગ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે.

આ ગામોમાં બહેનો પોતાના ભાઈને રાખડી બાંધતાં પહેલાં પોતાના ચહેરા પર વાઘનું માસ્ક પહેરી લે છે અને તે પછી રાખડી બાંધે છે. પેંચ ટાઇગર રિઝર્વ દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર શેર કરવામાં આવેલા વીડિયોને મોટાપાયે લાઇક મળી રહી છે. આ વીડિયોમાં બહેનો ચહેરા પર વાઘનું માસ્ક પહેરીને પોતાના ભાઈઓને રાખડી બાંધતી નજરે પડે છે. મધ્યપ્રદેશના પેંચ ટાઇગર રિઝર્વમાં મેનેજમેન્ટએ રક્ષાબંધનને વાઘોની સુરક્ષા અને સંવર્ધન અંગે જાગરૂકતા ફેલાવવાની એક તક તરીકે ઉપયોગ કર્યો હતો.

રક્ષાબંધનની વાઘ રક્ષા દિવસ તરીકે ઉજવણી

લોકોમાં વાઘની સુરક્ષાને લઈને જાગરૂકતા ઊભી થાય તે માટે રિઝર્વની આસપાસના ગામો તથા નાના શહેરોમાં બહેનોએ પોતાના ભાઈઓને રાખડી બાંધવા સમયે વાઘનું માસ્ક પહેરી રાખ્યું હતું. પેંચ ટાઇગર રિઝર્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે સતત ત્રીજા વર્ષે પેંચ ટાઇગર રિઝર્વે રક્ષાબંધનના તહેવારને અનોખા અંદાજમાં વાઘ રક્ષા દિવસના રૂપમાં મનાવ્યો છે. આ પરંપરાને જાળવી રાખતા આ રક્ષાબંધનમાં અમે 130 ગામ, ટાઇગર રિઝર્વની આસપાસના કેટલાક નાના શહેરો સહિત સિવની અને છીંદવાડા જિલ્લાના વડામથકમાં વાઘ રક્ષા દિવસ મનાવી રહ્યા છીએ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button