GUJARAT

Dehgam: 5 દિવસથી અંડરપાસમાં પાણી ભરાયેલા, શ્રમજીવી પરિવારોને ભારે હાલાકી

  • છેલ્લા 5 દિવસથી દહેગામથી ગાંધીનગરને જોડતા અંડરપાસમાં પાણી ભરાયા
  • પાણી ભરાતા શ્રમજીવીઓને રોજગારી માટે હાલાકી
  • તંત્ર દ્વારા છેલ્લા 5 દિવસથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં

રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આજે પણ સમગ્ર રાજ્યમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દહેગામથી ગાંધીનગરને જોડતા રેલવે અંડર પાસમાં ભરાયેલા પાણીનો હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી.

દહેગામના અંડર બ્રિજ પાસે 50થી 60 શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે

રેલવે તંત્રના પાપે છેલ્લા 5 દિવસથી અંડરપાસમાં હજુ સુધી પાણી ઉતર્યા નથી. દહેગામના અંડર બ્રિજ પાસે 50થી 60 શ્રમજીવી પરિવારો વસવાટ કરે છે અને આ પરિવારોની રોજી રોટી દહેગામ શહેર સાથે સંકળાયેલી છે. ત્યારે રેલવે અંડર પાસમાં પાણી ભરાઈ જતા 5-5 દિવસથી રોજગારી વગર ટળવળી રહ્યા છે.

અંડર પાસમાં પાણી ભરાવવાને લઈને શહેરનો સંપર્ક કપાઈ ગયો

અંડર પાસમાં પાણી ભરાવવાને લઈને શહેરનો સંપર્ક કપાઈ ગયો છે અને શ્રમજીવી પરિવારોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. 200 રૂપિયાનું દૈનિક પેટિયું રળવા માટે શ્રમજીવી પરિવારોના સભ્યોને 50થી 100રૂપિયા ભાડું ખર્ચવાનો વારો આવ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. કારણ કે હાલમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે અને તમામ વાહનો ફરીને આવે છે, જેથી ભાડાના ખર્ચમાં પણ વધારો થાય છે.

કલોલમાં સઈજ અંડરબ્રિજમાં ST બસ ફસાઈ

કલોલના સઈજ અંડરબ્રિજમાં ST બસ ફસાવાની ઘટના સામે આવી છે. અંડરબ્રિજના પાણીમાં મુસાફરો ભરેલી બસ અંડરબ્રિજની વચ્ચોવચ ફસાઈ હતી. આ એસટી બસ ઝાલોરથી કપડવંજ જઈ રહી હતી. જો કે ત્યારબાદ ટ્રેક્ટરની મદદથી બસને બહાર ખેંચવામાં આવી હતી અને ભારે જહેમત બાદ મુસાફરો સાથે બસને બહાર કાઢવામાં આવી હતી.

સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ

ઉલ્લેખનીય છે કે આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 210 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છના માંડવીમાં 11.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે કચ્છના મુન્દ્રામાં 7.5 ઈંચ વરસાદ, દ્વારકા તાલુકામાં 5.5 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 5.2 ઈંચ વરસાદ અને કચ્છના અંજારમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button