- અભ્યાસમાં શારીરિક અંગોમાં થતા ફેરફારો જણાવાયા, ઇમ્યૂન સિસ્ટમ અને પાચનક્રિયા પર અસર પડી શકે
- કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોએે ત્રણ મહિના માટે ISSમાં મોકલાયેલા ઊંદર પર અભ્યાસ કર્યો
- અંતરિક્ષની યાત્રાના કારણે ઇમ્યૂન સિસ્ટમ પર ભારણ વધી શકે છે
ભારતીય મૂળનાં અંતરિક્ષ યાત્રી સુનિતા વિલિયમ્સ અત્યારે સ્પેસમાં ફસાયાં છે. નાસાનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અત્યારે તેમનું રહેઠાણ બન્યું છે. આ ઘટના બની છે ત્યારે અંતરિક્ષ યાત્રીઓ પરનો એક અભ્યાસ થયો છે, જેમાં જણાવાયું છે કે અંતરિક્ષ યાત્રાના કારણે શરીર પણ શી શી અસર થાય છે.
આ અભ્યાસ અનુસાર, અંતરિક્ષની યાત્રા કરવાથી પેટના આંતરિક ભાગોમાં એવાં પરિવર્તન આવે છે જેનાથી ઇમ્યૂન સિસ્ટમ અને પાચનક્રિયા પર અસર પડી શકે છે. સંશોધકોએ કહ્યું કે આ પરિણામો એ સમજવામાં મદદ કરે છે કે લાંબા સમય સુધીના અંતરિક્ષ અભિયાન અંતરિક્ષ યાત્રીઓના આરોગ્ય પર અસર કરી શકે છે.
કેનેડાની મેકગિલ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાનીમાં એક ટુકડીએ આનુવંશિક તકનીકોનો ઉપયોગ કરીને ત્રણ મહિનાના સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર મોકલાયેલા ઊંદરનાં આંતરડાં, મળાશય અને યકૃતમાં આવેલાં પરિવર્તનોનું વિશ્લેષણ કર્યું હતું. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસા કે અન્ય અંતરિક્ષ એજન્સીઓના આંતરરાષ્ટ્રીય સહયોગથી સ્થાપવામાં આવેલું આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન એક અંતરિક્ષ યાન છે, જે એક વિશિષ્ટ વિજ્ઞાન પ્રયોગશાળા છે અને અંતરિક્ષમાં જનારા યાત્રીઓનું ઘર છે.
પાચનક્રિયા નબળી પડી શકે
અધ્યયનના લેખકોએ આંતરડાના બેક્ટેરિયામાં પરિવર્તન જોયું જે ઊંદરના યકૃત અને આંતરડાંના જીનમાં ફેરફાર દર્શાવે છે. તેનાથી જાણવા મળે છે કે અંતરિક્ષની યાત્રાના કારણે ઇમ્યૂન સિસ્ટમ પર ભારણ વધી શકે છે અને ખોરાકના પાચનની ક્રિયામાં ફેરફાર થઈ શકે છે. એનપીજે બાયોફિલ્મ્સ એન્ડ માઇક્રોબાયોમ્સમાં પ્રકાશિત સંશોધનલેખમાં લેખકોએ લખ્યું કે આ આંતરિક ક્રિયા આંતરડાં-યકૃતની દીવાલ પર અસર કરનારા સંકેતો, ચયાપચય પ્રણાલી અને પ્રતિરક્ષા કારકોમાં અવરોધનો સંકેત આપે છે. તે ગ્લુકોઝ અને લિપિડ (વસા)ના રેગ્યુલેશનને પ્રેરિત કરવાની શક્યતા ધરાવે છે.
ભવિષ્યનાં અંતરિક્ષ અભિયાનોમાં મદદ મળશે
સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસનાં પરિણામોથી ઘણો લાભ થશે. તેનાથી સુરક્ષાના ઉપાયો શોધવામાં અને વિકસાવવામાં મદદ મળશે. આ ઉપરાંત, ચંદ્ર પર લાંબા સમય સુધી રોકાવાથી લઈને મંગળ ગ્રહ પર મનુષ્યને મોકલવા સુધીના ભવિષ્યનાં અંતરિક્ષ અભિયાનોની સફળતામાં પણ આ અભ્યાસનાં તારણોથી લાભ થશે.
Source link