ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ મહારાષ્ટ્ર પોલીસને એક પોલીસ ઇન્પેક્ટરને 10 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. મુંબઈ નજીક આવેલા માટુંગાનો આ પોલીસકર્મી લાંચ લેવા માટે 1000 કિમીથી વધુનો પ્રવાસ કરીને રાજકોટ આવ્યો હતો.
માટુંગા પોલીસ સ્ટેશનનો પોલીસ ઇન્સ્પેકટર દીગંબર.એ.પાગર રાજકોટમાં રહેતા એકે વ્યક્તિને એક કેસમાં સમન્સ આપવા આવ્યો હતો. જો કે આ PIએ અન્ય એ ખાનગી વ્યક્તિ દ્વારા રાજકોટમાં રહેનારા ફરિયાદી શખ્સને કહેવડાવ્યું હતું કે જો 10 લાખ રૂપિયા આપશો તો આ કેસમાં ધરપકડ અને હેરાનગતિ કરવામાં નહીં આવે.
ACBએ ચાની દુકાનમાં છટકું ગોઠવ્યું હતું
ફરિયાદીએ આ બાબતે ACBનો સંપર્ક કરતા ACBએ રેસકોર્સ ખાતે એક ચાની દુકાનમાં છટકું ગોઠવ્યું હતું. પોલીસ ઇન્સ્પેકટર દીગંબરે જયમીન સાવલીયા નામના ખાનગી વ્યક્તિને લાંચ લેવા મોકલ્યો હતો. ACB રૂ.10 લાખની લાંચ લેતા આ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેણે સ્વીકાર્યું હતું કે પોલીસ ઇન્સ્પેકટર દીગંબર વતી તેણે લાંચની રકમ સ્વીકારી છે.