GUJARAT

Halvad માં વરસાદી આફત બાદ ઠેર ઠેર ગંદકીના થર રોગચાળો નોંતરશે

છોટાકાશી ગણાતી હળવદ નગરી હાલ પાલિકા તંત્રના અંધેર વહીવટને કારણે સાવ નર્કાગાર બની ગઈ છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર શોભાના ગાંઠીયા જેવી બની જતા વરસાદી પાણીનો કોઈ નિકાલ નહીં થવાના કારણે તેમજ અન્ય દુષિત પાણી સાથે મળી જતા હાલ શહેરના વોર્ડ નં. 1 અને 7ના રહેણાંક વિસ્તારોમાં પાછલા ઘણા સમયથી ગંદકીના થર જામી જવા ઉપરાંત જાહેર માર્ગો ઉપર ગંદા પાણી ભરી રહેતા હોવાના કારણે આ વિસ્તારના રહીશો ઉપર રોગચાળો ત્રાટકવાનો ખતરો તોળાઇ રહ્યો છે.

હળવદ શહેરમાં તાજેતરમાં ખાબકેલા વરસાદ બાદ છેલ્લા ચાર દિવસથી છાત્રાલયના મેદાનમાંથી રોડ ઉપર તેમજ સરા રોડથી પણ પાણી સતત વહ્યા કરે છે. આ પાણી ભૂગર્ભ ગટરમાં જવાના બદલે શહેરના વિવિધ વિસ્તારો માં વહેતું રહી છેલ્લે ખરાવાડ અને કુંભાર દરવાજા પાસે જમા થાય છે. પરિણામે આ તમામ વિસ્તારોમાં ગંદા પાણીની તીવ્ર દુર્ગંધ અને કચરાના ઉકરડાને કારણે રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા આજદિન સુધી કોઈ નક્કર પગલાં નહીં લેવામાં આવતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત શહેરના ઐતિહાસિક સામતસર તળાવની અંદરની ગંદકી ખુદ શહેરના જાગૃત નાગરિકો દ્વારા જાતે સફાઇ કરી દૂર કર્યા બાદ અને કરેલી સફાઇનો કચરો હટાવવા માટે પાલિકાના સેનિટેશન વિભાગને જાણ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહીં હોવાનું લોકો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત વોર્ડ નં. 1 અને 7ના વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ તેમના વોર્ડ એક જાણે પાલિકાના ચોપડા બહાર હોય તેમ તંત્ર આ વોર્ડ સાથે કાયમ ઓરમાયું વર્તન કરે છે. ઠેર ઠેર ગંદકીના થર જામેલા છે. રોડ ઉપર સતત ગંદા પાણી વહી રહ્યા છે. આવી પરિસ્થિતિ હેઠળ જીવતા રહીશોના આરોગ્ય ઉપર ખતરો સેવાઇ રહ્યો છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button