GUJARAT

Aravalliનો સૌથી મોટો વાત્રક ડેમ 96% ભરાયોઃ બંને જિલ્લામાં જળસ્તર ઊંચા આવશે

સમગ્ર રાજ્ય સહિત ઉત્તર ગુજરાતમાં શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી મેઘ સવારી ભાદરવામાં ભરપૂર જોવા મળી છે. જેના કારણે સાબરકાંઠા-અરવલ્લીના 13 જળાશયો પૈકી 6 હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યાં છે. અરવલ્લી જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ 96 ટકા ભરાઈ ચૂક્યો છે.

ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે અને જેના કારણે કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવ્યાં છે. આગામી રવી તેમજ ઉનાળુ સિઝનમાં સિંચાઈની કોઈ તકલીફ પડશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે. ભાદરવામાં પણ મેઘાની તોફાની બેટીંગના પગલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ બંન્ને જિલ્લામાં આવેલા 13 જેટલા મુખ્ય જળાશયોમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકના પગલે સિંચાઈ વિભાગ એલર્ટ મોડ પર છે. અરવલ્લીનો સૌથી મોટો વાત્રક ડેમ 96 ટકા સુધી ભરાઈ ગયો છે. બીજી તરફ તમામ જળાશયોમાં આજે તા. 12 સપ્ટેમ્બર-2024, 7:00 કલાકની સ્થિતિએ પાણીની આવક નોંધાઈ છે. જવાનપુરા ડેમમાં 1500 ક્યુસેક, વૈડીમાં 1212 ક્યુસેક, ગોરઠીયામાં 1200 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી.

100 ફૂટના કૂવા ભરાવાની અણી ઉપર

સાબરકાંઠા-અરવલ્લીમાં ભાદરવો ભરપૂર વરસતાં 100 ફૂટ ઊંડા કૂવા પણ ભરાવાની અણી ઉપર આવીને ઊભા છે. હાલ અનેક વિસ્તારોમાં કૂવાના પાણીનું લેવલ જમીન સુધી આવી ગયું છે. જેથી રવી તેમજ ઉનાળુ વાવેતર સારું થશે અને બમ્પર ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. નદીઓ વહેતી થઈ છે તો વાંઘા-કોતરો પણ વહેતાં થયાં છે. જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

7 જળાશયો સંપૂર્ણ ભરાયાં નહીં

સાબરકાંઠા-અરવલ્લીમાં ભાદરવામાં ભરપૂર વરસાદ પડયો છે. જેમાં બંને જિલ્લામાં અનેક વિસ્તારોમાં 100 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જો કે તેમ છતાં પણ 7 જળાશયો સંપૂર્ણ ભરાયાં નથી. ગુહાઈ ડેમ 54.59 ટકા જ ભરાયો છે. હાથમતી 76.92 ટકા, મેશ્વો 83.17 ટકા, ખેડવા 68.81, વરાંસી 73.58, ગોરઠીયા 82.41 ટકા અને ધરોઈ ડેમ 75.03 ટકા જ ભરાયો છે.

અરવલ્લીના નાના-મોટા 521 તળાવો ભરાઈ ગયાં

શ્રાવણના પાછોતરા દિવસોથી શરૂ થયેલી તોફાની મેઘ સવારી ભાદરવામાં પણ ચાલુ રહેવા પામી છે. જેના કારણે જિલ્લામાં આવેલા નાના-મોટા આશરે 521 જેટલા તળાવો પણ ભરાઈ ગયાં છે. આ સિવાય ચેકડેમો પણ ભરાઈ ગયાં છે જેના કારણે હાલ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button