આજે ભાદરવી પૂનમ છે અને ભાદરવી પૂનમે માં અંબાને બે ભક્તો દ્વારા લાખો રૂપિયાના સોનાનું દાન કરવામાં આવ્યું છે. ભાદરવી પૂનમે 2 અલગ અલગ ભક્તોએ માં અંબાને સોનાનું દાન અર્પણ કર્યું છે.
માં અંબાને સોનાનો હાર અને લગડીનું દાન
તમને જણાવી દઈએ કે એક ભક્તે માં અંબાને સોનાનો હાર અને બીજા ભક્તે લગડીનું દાન અર્પણ કર્યું છે. જો કે બંને ભાવિક ભક્તોએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. ત્યારે જો સોનાના હારનીની વાત કરીએ તો તેનું વજન 225.520 ગ્રામ છે અને તેની કિંમત 15,33,501 રૂપિયા આંકવામાં આવી રહી છે તો બીજા એક મધ્ય ગુજરાતના ભક્ત દ્વારા માં અંબાને 250 ગ્રામ સોનું દાન આપવામાં આવ્યું છે.
સોનાના 3 બિસ્કીટ માંને ભેટમાં આપવામાં આવ્યા
છેલ્લા કેટલાય વર્ષોથી મધ્ય ગુજરાતના એક ભક્ત દ્વારા સોનાના 3 બિસ્કીટ માંને ભેટમાં આપવામાં આવે છે. આ વખતે 100 ગ્રામના 2 અને 50 ગ્રામનું 1 બિસ્કિટ ભેટ આપવામાં આવ્યું છે. આ બિસ્કીટની કિંમત 18,62,501 રૂપિયા છે.
7 દિવસમાં કૂલ 32 લાખથી વધુ ભક્તોએ માંના કર્યા દર્શન
ઉલ્લેખનીય છે કે આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે અને અંતિમ દિવસે 5,62,162 ભક્તોએ માં અંબાના દર્શન કરીને આર્શીવાદ લીધા છે. ત્યારે આ મહામેળા દરમિયાન સાત દિવસમાં કૂલ 32,54,225 ભક્તોએ દર્શન કર્યા છે. ત્યારે જો આજની વાત કરવામાં આવે તો બુધવારે 78,120 લોકોએ નિઃશુલ્ક ભોજનનો પણ લાભ લીધો છે.
બીજી તરફ 2,97,880 લોકોએ મોહનથાળના પ્રસાદનો લાભ લીધો છે. આ સાથે જ અંતિમ દિવસે 353 ધજા ભક્તો દ્વારા મંદિરના શિખર પર ચઢાવવામાં આવી છે અને ભાદરવી પૂનમના મેળામાં કુલ 7 દિવસમાં મંદિરને 2,66,37,620ની આવક થઈ છે.
ભાદરવી મહાકુંભનો આજે અંતિમ દિવસ
તમને જણાવી દઈએ કે વિશ્વ વિખ્યાત માં અંબાના ધામ અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી મહાકુંભનો આજે અંતિમ દિવસ છે. આજે ભાદરવી પૂનમના પાવન પર્વને લઈ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. છેલ્લા 6 દિવસમાં 26 લાખથી વધુ માઈ ભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ આજે મેળાના અંતિમ દિવસે પણ માંના દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો વહેલી સવારથી જ લાગી ગઈ હતી.
Source link