Surendranagar: મંદબુદ્ધિની યુવતીનાં-દુષ્કર્મ કેસમાં સજા પામી રાજકોટ-જેલમાંથી વચગાળાના જામીન પર છૂટી ફરાર-કેદીપકડાયો
થાન શહેરમાં રહેતી 22 વર્ષીય મંદબુધ્ધીની યુવતીનું રિક્ષા ચાલકે અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો બનાવ વર્ષ 2017માં બન્યો હતો. આ કેસમાં જાન્યુઆરી 2022માં કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી હતી.
ત્યારે જેલવાસ દરમિયાન ગત જાન્યુઆરીમાં આરોપી 15 દિવસના વચગાળાના જામીન પર છુટી ફરાર થઈ ગયો હતો. ત્યારે ફરાર કેદીને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સુરેન્દ્રનગરમાંથી ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
થાન શહેરમાં રહેતી 22 વર્ષીય મંદબુધ્ધીની યુવતી તા. 25-5-2017ના રોજ સવારના સમયે તેની માતા સીરામીકના કારખાનામાં મજુરી કામ કરતા ગઈ હોય તેને ટીફીન દેવા જતી હતી. ત્યારે થાનના ઉષા વેબ્રીજ નજીક રિક્ષા ચાલક નરેશ ઉર્ફે પપ્પુ ભવાનભાઈ અઘારાએ યુવતીનું બાવડુ પકડી બળજબરી પૂર્વક રિક્ષામાં બેસાડી અપહરણ કરીને લઈ ગયો હતો. થાન તાલુકાના કાનપરથી નવાગામ તરફ જવાના રસ્તે અવાવરૂ જગ્યાએ લઈ જઈ નરેશે મંદબુધ્ધીની યુવતી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારબાદ યુવતીને રિક્ષામાં પાછો તે જ સ્થળે ઉતારી જો કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. ઘરે આવેલી યુવતીના કપડા લોહીવાળા દેખાતા જ પરિવારજનોને કંઈ અજુગતુ બન્યાની શંકા ગઈ હતી. આથી તપાસ કરતા તેણીની સાથે દુષ્કર્મ કરાયાની વિગતો બહાર આવી હતી. આ અંગેનો કેસ જાન્યુઆરી 2023માં સુરેન્દ્રનગરની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, 21 મૌખીક અને 34 દસ્તાવેજી પુરાવાને આધારેે કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા ફટકારી હતી. ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતા નરેશ ઉર્ફે પપ્પુ અઘારાએ નામદાર હાઈકોર્ટમાંથી તા. 9-1-2024ના રોજ 15 દિવસના વચગાળાના જામીન છુટવાનો હુકમ મેળવ્યો હતો. તા. 9મી જાન્યુઆરીના રોજ જેલમાંથી છુટનાર કેદી નરેશને તા. 24 જાન્યુઆરીએ જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ તે જેલમાં હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. ત્યારે આ અંગેની માહિતી સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આ દરમિયાન નરેશ ઉર્ફે પપ્પુ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસે હોવાની વિગતો પેરોલ ફર્લો સ્કવોડને મળી હતી. આથી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના સંજયભાઈ, ધવલભાઈ, શકિતસીંહ સહિતનાઓએ રેલવે સ્ટેશન પાસે વોચ રાખી 42 વર્ષીય નરેશ ઉર્ફે પપ્પુ ભવાનભાઈ અઘારાને ઝડપી લઈ રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કર્યો છે.
ઢીંગલીની મદદથી ભોગ બનનારની જુબાની લેવાઈ હતી
આ કેસમાં ભોગ બનનાર ભલે 22 વર્ષની યુવતી હોય પરંતુ તેની માનસીક ક્ષમતા એક બાળક જેવી હતી. આથી તેને ચાર વાર જુબાની કઈ રીતે આપવી તે સમજાવાયુ હતુ. તેમ છતાં તેની માનસિક સ્થિતિ જોઈ અંતે જુબાની લેતા સમયે તેને ઢીંગલી અપાઈ હતી અને તેની સાથે શું થયુ તે પુછતા તેણે ઢીંગલીના પ્રાઈવેટ પાર્ટ તરફ ઈશારો કર્યો હતો. અને ઢીંગલીએ પહેરેલી ચોયણી ફાડી યુવતી ધ્રુસકે-ધ્રુસકે રડી પડી હતી.
અગાઉ પણ પેરોલ પર છુટીને ફરાર થઈ ગયો હતો
10 વર્ષની કારાવાસની સજા ભોગવતો નરેશ અગાઉ પણ પેરોલ જમ્પ કરી ચૂકયો છે. ગત તા. 24મી ઓકટોબર, 2022ના રોજ તે 10 દિવસના પેરોલ પર જેલમાંથી છુટયો હતો. અને ગત 4થી નવેમ્બર 2022ના રોજ જેલમાં હાજર થવાનું હતુ. પરંતુ તે ફરાર થઈ ગયો હતો. અને ગત તા. 18-12-22ના રોજ થાનમાંથી જ પકડાયો હતો.
Source link