GUJARAT

Ahmedabad: રાજ્યમાં એક વર્ષમાં હાર્ટ ફેલ થવાના કારણે 93,797 લોકોએ જીવ ગુમાવ્યા

ગુજરાતમાં વર્ષ 2021ના અરસામાં 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે, કોરોના મહામારીમાં કોરોનાથી જેટલા મોત થયાં નથી તેના કરતાં વધારે મોત હાર્ટ ફેલ થવાથી થયા છે.

મૃત્યુના કારણમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહિ થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે 93,797 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના સમયે જે ગભરાટનો માહોલ હતો તે સમયે હૃદયરોગને લગતી બીમારીએ કાળો કેર વર્તાવ્યો હતો. બીજી તરફ ગુજરાતમાં સરકારી ચોપડે કોરોનાની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લોકોનાં મોત જાહેર કરાયા હતા, અલબત્ત, એકલા વર્ષ 2021ના અરસામાં કોરોનાથી મેડિકલી સર્ટિફાઈડ થયેલા મૃતકોની સંખ્યા 41,153 છે જ્યારે 9,909 મૃતકોમાં કોવિડ આઈડેન્ટીફાઈ થયો નહતો. આમ સરકારી ચોપડે જાહેર કરેલા આંકડા અને રિપોર્ટના આંકડામાં મોટો તફાવત છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અહેવાલમાં આ બાબત સામે આવી છે.

ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોનાં એમ કુલ 93,797નાં મોત થયા છે, આ આંકડાઓ મેડિકલી સર્ટિફાઈડ થયેલા અને નહિ થયેલા એમ બંને સામેલ છે, શહેરી વિસ્તારમાં 70 વર્ષ કેતેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે, 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593નાં મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં માનસિક બીમારીથી પીડિત 73 હજારથી વધુ જ્યારે શહેરી વિસ્તારમાં 39 હજારથી વધુનાં મોત થયા હતા.ગ્રામ્ય વિસ્તારમાં ભારે તાવના કારણે 10709 દર્દીએ દમ તોડયો હતો.

શ્વાસમાં તકલીફ-અસ્થમાએ 49 હજાર લોકોનો ભોગ લીધો

કોરોના મહામારી વખતે 2021માં શ્વાસ લેવામાં તકલીફના કેસ વધુ સામે આવ્યા હતા, શ્વાસ નળીમાં સોજો, અસ્થમા જેવા કરાણસર 48,933 લોકોએ દમ તોડયો હતો, જે પૈકી શહેરી વિસ્તારમાં 37 હજારથી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં 11 હજારથી વધુનાં મોત થયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં અગમ્ય કારણસર મોતનો આંકડો ખૂબ ઊંચો છે એટલે કે 1.14 લાખ મોત છે જ્યારે શહેરી વિસ્તારોમાં આ આંકડો 14 હજારથી વધુ છે. આરોગ્યને લગતી સવલતો ઓછી હોવાથી આ સ્થિતિ હોઈ તેમ માની શકાય છે.

કોવિડમાં એક વર્ષમાં 25,790 પુરુષ, 15,363 મહિલા દર્દીનાં મોત

ગુજરાતમાં વર્ષ 2021માં કોવિડથી 41,153 લોકએ અંતમિ શ્વાસ લીધા છે, જે પૈકી 25,790 પુરુષ અને 15,363 મહિલા સામેલ છે. એક વર્ષથી ઓછી વયના 29 બાળકોનાં મોત થયાં હતાં. સૌથી વધુ 55થી 64 વર્ષની વયે 11,190 દર્દીએ દમ તોડયો હતો. કોરોનાના સમયે કેટલાયે દર્દી એવા હતા જેમને હોસ્પિટલે બેડ મેળવવા માટે ફાંફાં પડયા હતા, એટલું જ નહિ પરંતુ એવા પણ કેસ સામે આવ્યા હતા કે, જાતે હોસ્પિટલે ચાલતાં ચાલતાં સારવાર લેવા ગયા પણ થોડી ક કલાકોમાં જે તે દર્દીનાં મોત થયાનું બહાર આવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button