NATIONAL

LAC પર પેટ્રોલિંગને લઈને ભારત-ચીન વચ્ચે સમજૂતી, વિદેશ સચિવે આપ્યું મોટું નિવેદન

ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગને લઈને નવો કરાર થયો છે. વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય મંત્રણાના સવાલ પર વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી ડિપ્લોમેટ અને સૈન્ય વાતચીત થઈ રહી છે.’

ભારત અને ચીન વચ્ચે LAC પર પેટ્રોલિંગ શરૂ કરવા સમજૂતી પર પહોંચ્યા

ભારત અને ચીન તેમના સૈનિકોને પાછા ખેંચવા અને વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ ફરી શરૂ કરવા માટે એક નવી સમજૂતી પર પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ આ કરાર ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાં પેટ્રોલિંગ સાથે સંબંધિત છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે આ અંગે માહિતી આપી હતી. આ મહત્વપૂર્ણ ઘટનાક્રમ 22-23 ઓક્ટોબરે યોજાનારી 16મી બ્રિક્સ શિખર સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત પહેલા સામે આવ્યો છે.

પરિસ્થિતિના નિરાકરણ માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઈ

બ્રિક્સ શિખર સમિટ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીતની સંભાવના પર વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ કહ્યું કે, ‘ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી ડિપ્લોમેટ અને સૈન્ય વાતચીત થઈ રહી છે. ચીન સાથે LACના મુદ્દાઓ પર અમે કરાર કર્યો છે. સૈનિકોને પાછા ખેંચવા અને પરિસ્થિતિના નિરાકરણ માટે પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વિપક્ષીય વાતચીતના મુદ્દે અમે હજુ પણ સમય અને પ્રતિબદ્ધતાઓ અનુસાર કામ કરી રહ્યા છીએ.

બન્ને દેશો વચ્ચે LAC પર તણાવ ઓછો થવાની આશા

બન્ને દેશોના અધિકારીઓ વચ્ચે તાજેતરની વાતચીત બાદ ભારત અને ચીન પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર પેટ્રોલિંગ માટે સમજૂતી પર પહોંચ્યા છે. મિસ્રીએ કહ્યું કે, પેટ્રોલિંગ સંબંધિત સમજૂતી બાદ બન્ને દેશો વચ્ચે LAC પર તણાવ ઓછો થવાની આશા છે. વિદેશ સચિવે કહ્યું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા પર બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા માટે ભારતીય અને ચીનના વાટાઘાટકારો છેલ્લા કેટલાક અઠવાડિયાથી સંપર્કમાં છે.

ગલવાન ઘાટીમાં 2020માં સૈનિકો વચ્ચે થઈ હતી અથડામણ

ઉલ્લેખનીય છે કે, પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં 15-16 જૂન 2020ના રોજ ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આમાં 20 ભારતીય સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ બમણા ચીનના સૈનિકો પણ માર્યા ગયા હતા. જો કે, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તેના સૈનિકો વિશે સત્તાવાર આંકડા જાહેર કર્યા નથી. આ ઘટના બાદ બન્ને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button