સાયલા પોલીસની ટીમને પેટ્રોલિંગમાં આયા ગામની સીમમાં પડતર ખરાબામાં વિદેશી દારૂના કટીંગની બાતમી મળતા રેડ કરાઈ હતી. તેમજ પોલીસે દારૂ, વાહનો સહિત રૂ. 47,85,384નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
દરોડા અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ સાયલા પીઆઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઈ એન.એન.ઝાલા સહિતની ટીમ તા. 30મીએ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ડોળીયા બાઉન્ડ્રી પાસે પહોંચતા પોલીસને આયા ગામની સીમમાં સફેદ મહોરા વાળા ટાટા કંપનીના ટાંકામાં દારૂ આવ્યો હોવાનું તથા હાલ કટીંગ ચાલુ હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે રેડ કરી હતી. પરંતુ દરોડાના સ્થળે કોઈ હાજર મળી આવ્યુ નથી. જયારે દારૂની 5,880 બોટલ કિંમત રૂ. 28,84,384, ટાંકો, બોલેરો પીકઅપ કાર, બાઈક, મોબાઈલ મળી કુલ રૂ. 47,85,384ની મત્તા કબજે કરાઈ હતી. બનાવની સાયલા પોલીસ મથકે ટાંકાના ડ્રાઈવર, પીકઅપના ડ્રાઈવર, બાઈક ચાલક, દારૂ મંગાવનાર, મોકલનાર તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
બીજી તરફ ચોટીલા પીઆઈ આઈ.બી.વલવીની સુચનાથી સ્ટાફ દિવાળીના તહેવારો અનુસંધાને ચોટીલા હાઈવે પર ચામુંડા ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યો હતો. ત્યારે મુંબઈથી જામનગર જતી ખાનગી ટ્રાવેલ્સ ચેક કરતા જામનગરના લાલપુર બાયપાસ ચોકડી પાસે રહેતો રાજમલ જેસાભાઈ ચારણ વિદેશી દારૂની 12 બોટલો સાથે પકડાયો હતો. પોલીસે રૂપીયા 6,720નો દારૂ, રૂપીયા 5 હજારનો મોબાઈલ ફોન સહિત રૂપીયા 11,720ની મત્તા સાથે તેને ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.
Source link