ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે સામે આવી છે, જ્યાં દાંડિયારાસ રમતી 16 વર્ષની કિશોરીનું અચાનક મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતી 16 વર્ષીય સંધ્યા અરવિંદભાઇ ડાભી ખંભાળિયાના મોવાણ ગામે રહેતા તેના પિતાના મામાના ઘરે એક શુભ પ્રસંગમાં હાજરી આપવા માટે આવી હતી. ઘરમાં ઉત્સવનો માહોલ હતો અને રાત્રિના સમયે દાંડિયારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા પણ અન્ય પરિવારજનો સાથે ઉત્સાહભેર રાસ રમી રહી હતી.
રાસ દરમિયાન અચાનક સંધ્યા બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી. આ દ્રશ્ય જોઈને પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. તરત જ તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેના શ્વાસ થંભી ગયા હતા. ફરજ પરના તબીબોએ પ્રાથમિક તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી અને મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં મૃતક સંધ્યાના પિતાએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નાની ઉંમરે દીકરીના અકાળે અવસાનથી મોવાણ અને ગઢકા બંને ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ ઘટના ફરી એકવાર પ્રશ્ન ઊભો કરે છે કે હાર્ટ એટેક હવે માત્ર મોટી ઉંમરના લોકો સુધી સીમિત રહ્યો નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગુજરાતમાં રમતા, ચાલતા અથવા સામાન્ય પ્રવૃત્તિ દરમિયાન યુવાનોના હાર્ટ એટેકથી મોતના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તબીબોના મતે બદલાતી જીવનશૈલી, વધતો માનસિક તણાવ અને પોસ્ટ-કોવિડ અસરો યુવાનોમાં હૃદયરોગના જોખમને વધારી રહ્યા છે.
ખંભાળિયાની આ ઘટના સમગ્ર સમાજ માટે ચેતવણી સમાન છે કે હવે યુવાનોના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સાવચેતી રાખવાની તાતી જરૂર છે.


Leave a Comment