GUJARAT

Agriculture: લાભ પાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે…ખેડૂતો માટે હેલ્પલાઈન નંબર જાહેર

રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.

રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪ ૨૫ માં લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવામાં આવશે.વધુમાં બાજરી,જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ.ક્વિન્ટલ રૂ.૩૦૦નું બોનસ આપવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી કરાવાની રહેશે. જેમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે તા.૩૧ ઓકટોબર ૨૦૨૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે. આ કૃષિ પાકોની ટેકાના ભાવે ખરીદી લાભપાંચમ એટલે કે તા. ૬ નવેમ્બર ૨૦૨૪ થી તા.૧૫ જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવશે.

નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮ અ ની નકલ, ગામ નમૂના ૧૨માં પાક વાવણી અંગે નોંધ ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત જેમ કે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે. રાજ્યના જે ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત છે, જે માટે સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખેડૂતમિત્રોને નિગમ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

વધુમાં ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ દસ્તાવેજ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવા ખેડૂતોને જણાવવામાં આવે છે. દસ્તાવેજ/ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો જે તે ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં આવશે નહિ.

નોંધણી બાબતે વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ તથા ૮૫૧૧૧ ૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે, તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ ગાંધીનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button