GUJARAT

Ahmedabad: અમરાઈવાડીમાં 1 મહિના અગાઉ થયેલી હત્યાના ગુનામાં 4 આરોપીઓની ધરપકડ

  • હત્યાના ગુનામાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી
  • આરોપીઓ મૃતક કિશોરને રીક્ષામાં નાખી અમરાઈવાડી વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતા
  • આરોપીઓની ઉલટ તપાસ કરતા હત્યાની હકીકત સામે આવી

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક મહિના અગાઉ થયેલી હત્યાના ગુનામાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. મૃતકે દારૂ પીધા બાદ બબાલ કરતા આરોપીએ તેને ગડદા પાટુનો માર મારી ઈજાગ્રસ્ત હાલતમાં જ રીક્ષામાં મૂકી ફરાર થઈ ગયા હતા.

હત્યાનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ કરી અને ચારે આરોપીઓની ધરપકડ કરી

જે બાદ યુવકનું મૃત્યુ નીપજતા પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આધારે હત્યાનો ગુનો દાખલ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ ચાર આરોપીઓના નામ રમીલાબેન કવન્ડર, હર્ષ ઉર્ફે ગનીઓ મોરે, અજય ઉર્ફે ભુરીયો રાજપૂત અને અજય ઉર્ફે તપેલી વાઘેલા છે. આરોપીઓએ 9 જુલાઈની રાત્રે ખોખરા વિસ્તારમાં દારૂ પીવા આવેલા 51 વર્ષીય કિશોર ઉર્ફે ચોટી મરાઠીને ગડદા પાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મૃતક કિશોરને રીક્ષામાં નાખી અમરાઈવાડી વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતા. જોકે 10 તારીખની સવારે કિશોર ઉર્ફે ચોટીનો મૃતદેહ મળી આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને પોસ્ટમોર્ટમ કરાવતા મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. જે બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ કરતા ચારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી

કિશોર ઉર્ફે ચોટી મરાઠીની હત્યાની તપાસ કરતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક ખોખરા વિસ્તારમાં દેશી દારૂનો વેચાણ કરતી રમીલા કવંડરને ત્યાં દારૂ પીવા ગયો હતો. જ્યાં તેની બબાલ થતા અન્ય ત્રણ આરોપીઓએ તેને ઈંટો અને લાકડીઓ વડે માર માર્યો હતો. જેમાં તાત્કાલિક સારવાર ન મળતા તેનું મૃત્યુ થયુ હતું. જેથી પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે. સાથે જ આરોપીઓએ ખોખરા વિસ્તારમાં હત્યા કરી તેના મૃતદેહને અમરાઈવાડી પોલીસની હદ વિસ્તારમાં છોડી પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોલીસને પહેલેથી આરોપીઓ પર શંકા હોવાથી તેમની ઉલટ તપાસ કરતા હત્યાની હકીકત સામે આવી હતી.

મહિલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનની ફરિયાદો નોંધાયેલી

અમરાઈવાડી પોલીસે હત્યાના ગુનામાં મહિલા સહિત ચારની ધરપકડ કરતા બનાવની હકીકત સામે આવી છે. જોકે આરોપીઓએ હત્યાને અંજામ આપ્યા બાદ પણ પોતાના વિસ્તારમાં જાણે કંઈ બન્યું જ ન હોય તે રીતે રહેતા હતા. સાથે જ પોલીસની તપાસમાં સામે આવ્યું કે મહિલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનની ફરિયાદો નોંધાયેલી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button