GUJARAT

Ahmedabad: વેપારીને હની ટ્રેપમાં ફસાવી 29 લાખ ખંખેર્યા, પોલીસે યુવતીની કરી ધરપકડ

અમદાવાદમાં ખોખરાના વેપારીને હની ટ્રેપમાં ફસાવીને છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. પશ્ચિમ બંગાળની યુવતી સહિત 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ડેટિંગ એપ્લિકેશન દ્વારા વેપારીને પ્રેમજાળમાં ફસાવીને છેતરપિંડી આચરી હતી.

 હની ટ્રેપમાં ફસાવીને સોનાના દાગીના સહિત 29 લાખની છેતરપિંડી આચરી

પકડાયેલ આરોપીએ અગાઉ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી સોનમ ચેટરજી અને બાલેશ્વર ગુપ્તાએ આંગડિયા પેઢીના વેપારીને હની ટ્રેપમાં ફસાવીને સોનાના દાગીના સહિત 29 લાખની છેતરપિંડી આચરી છે. ઘટનાની વાત કરીએ તો ખોખરા વિસ્તારમાં રહેતા અને મીરા એન્ટરપ્રાઈઝ નામથી આંગડિયા પેઢી ચલાવતા જયેશ પટેલે ડેટિંગ એપ્લિકેશન મારફતે સોનમ ચેટરજીના સંપર્કમાં આવ્યા હતા.

આ મહિલાએ વેપારીને પ્રેમજાળમાં ફસાવીને જુદા જુદા બહાને રૂપિયા 22 લાખ રોકડા અને ગિફ્ટમાં 7 લાખના દાગીના મેળવીને સંપર્ક તોડીને છેતરપિંડી આચરી હતી. આ મહિલા સાથે વિનોદ ગુપ્તા અને બાલેશ્વર ચેટરજી નામના આરોપીઓએ ગુનાહિત કાવતરું ઘડીને હનીટ્રેપમાં વેપારીને ફસાવ્યો હતો. જે મામલે વેપારી જયેશ પટેલએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સોનમ ચેટરજી અને બાલેશ્વર ગુપ્તાની ધરપકડ કરી છે.

સોનમ ચેટરજી પશ્ચિમ બંગાળની રહેવાસી

પોલીસ તપાસમાં સામે આવ્યું કે સોનમ ચેટરજી પશ્ચિમ બંગાળની રહેવાસી છે અને બાલેશ્વર ગુપ્તા તેને અમદાવાદ લાવ્યો હતો. બાલેશ્વરની અમદાવાદમાં 4 હોટલ અને કોલકતામાં પણ હોટલ છે. જે પશ્ચિમ બંગાળથી યુવતીઓને લાવીને ડેટિંગ એપ દ્વારા દેહ વેપારનો ધંધો કરે છે. વેપારી જયેશ પટેલ ઓગસ્ટ 2022માં ડેટિંગ એપ્લિકેશન દ્વારા વિનોદ ગુપ્તાના સંપર્ક આવ્યો હતો. વિનોદ ગુપ્તાએ સોનલ ચેટરજી સાથે સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ વેપારીએ ગોવાની ટ્રીપ પ્લાન કરી હતી અને સોનમને લઈ જવા માટે વેપારીએ વિનોદને એક દિવસના 20 હજાર લેખે 7 દિવસના 1.40 લાખ રૂપિયા આપ્યા હતા અને વિનોદને 35 હજાર કમિશન ચૂકવ્યું હતું.

પૈસા મેળવીને આરોપી મહિલા ફોન બંધ કરીને કોલકતા જતી રહી હોવાનું તરકટ રચ્યું

આ ટ્રીપ બાદ સોનમએ નંબર બ્લોક કર્યો અને 2023માં ઈન્સ્ટગ્રામમાં વેપારી સાથે ફરી સંપર્ક ર્ક્યો અને મિત્રતા કરીને પ્રેમજાળમાં ફસાવ્યો. સોનમે વેપારીને દેહ વેપારમાંથી બચાવવા બાલેશ્વર ગુપ્તાને રૂપિયા 10 લાખ આપવાનું કહ્યું હતું. પ્રેમમાં અંધ બનેલા વેપારીએ 10 લાખ તો આપ્યા અને પ્રેમિકાને પણ 7 લાખના સોનાના દાગીનાની ભેટ અને 12 લાખની રોકડ પણ આપી હતી. પૈસા મેળવીને આરોપી મહિલા ફોન બંધ કરીને કોલકતા જતી રહી હોવાનું તરકટ રચ્યું હતું. પરંતુ તપાસ કરતા તે અમદાવાદમાં વિનોદ ગુપ્તા અને સોનમ દંપતી બનીને રહીને અન્ય લોકોને ટાર્ગેટ કરતા હોવાનું ખુલ્યું છે.

હનીટ્રેપના રેકેટમાં મુખ્ય સૂત્રધાર બાલેશ્વર ગુપ્તા છે. જે ડેટિંગ એપ્લિકેશન મારફતે દેહ વેપાર અને હનીટ્રેપનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. સોનમ જેવી અન્ય યુવતીઓ પણ આ રેકેટમાં સંડોવાયેલી છે. જેથી ખોખરા પોલીસે બંન્ને આરોપીના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. જ્યારે વોન્ટેડ આરોપી વિનોદ ગુપ્તા ફરાર થઈ જતા પોલીસે જુદી જુદી ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button