GUJARAT

Ahmedabad: લૉ કોલેજ અધવચ્ચે જ બંધ કરી ખ્યાતિ યુનિ.એ વિદ્યાર્થીઓના ભાવિ જોખમાવેલા

ખ્યાતિ હોસ્પિટલ તેની અલાયદી ખ્યાતિ યુનિવર્સિટી પણ ધરાવે છે અને અગાઉ તેની લો કોલેજ પણ હતી પરંતુ ત્યાં પણ તેના કારનામાઓના કારણે વિદ્યાર્થીઓની જોઇએ એવી સંખ્યા નહી મળી રહેતા એક તબક્કે વર્ષ 2020-21માં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ્ ઇન્ટીગ્રેટેડ લો (કોલેજ)ના શટર પાડી દેવા પડયા હતા, એટલે કે, ખ્યાતિ લો કોલેજને તાળાં વાગી ગયા હતા.

આ અંગે ગુજરાત બાર કાઉન્સીલની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી.કેલ્લાએ જણાવ્યું હતું કે, ખ્યાતિ લો કોલેજ બંધ થઇ જતાં આ વિદ્યાર્થીઓને નાછૂટકે ગુજરાત યુનિવર્સિટીના સેન્ટર ફેર એક્સલેન્સમાં ટ્રાન્સફર કરવા પડયા હતા અને વિદ્યાર્થીઓને ત્યાંથી ગ્રેજયુએશન પૂરું કરવાની ફરજ પડી હતી. જેમાં બિચારા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ સનદ પણ અટવાઇ હતી. તેઓને ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરવાની ફરજ પડી હતી. ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ્ ઇન્ટીગ્રેટેડ લો પાસે વર્ષ 2015-16 સુધી જ બાર કાઉન્સીલ ઓફ્ ઇન્ડિયાનું જોડાણ હતું એ પછી કોલેજ પાસે કોઇ માન્યતા હતી નહી. આખરે ખ્યાતિ લો કોલેજને સમ ખાવા પૂરતાય વિદ્યાર્થીઓ મળતા ન હતા, જેને પગલે વર્ષ 2020-21માં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ્ ઇન્ટીગ્રેટેડ લો કોલેજના શટર પાડી દેવાની ફરજ પડી હતી. વિદ્યાર્થીઓના આ કેસમાં જસ્ટિસ અનિરૂધ્ધા માયીએ પણ તાજેતરમાં જ પોતાના હુકમમાં ખ્યાતિ ઇન્સ્ટીટયુટ ઓફ્ ઇન્ટીગ્રેટેડ લો બંધ થઇ ગઇ હોવાની વિદ્યાર્થીઓની રજૂઆતને ટાંકી હતી અને આખરે વિદ્યાર્થીઓના હિતમાં તેઓને પ્રોવિઝનલ સનદ પૂરી પાડવા માટે ગુજરાત બાર કાઉન્સીલને હુકમ કર્યો હતો. આમ, ખ્યાતિ લો કોલેજ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને તો અસર પહોંચી જ હતી પરંતુ બાદમાં યુનિવર્સિટીના સેન્ટર ફેર એક્સલેન્સનો આશરો મળી જતાં તેમની કારકિર્દી સચવાઇ ગઇ હતી. ખ્યાતિ ગ્રુપની પોતાની અલાયદી યુનિવર્સિટી અને વિવિધ અભ્યાસક્રમોને લઇ જુદી જુદી કોલેજો અને સંસ્થાઓ પણ છે. પરંતુ ગઇકાલના નિર્દોષ દર્દીઓને ખોટી રીતે એન્જીઓપ્લાસ્ટી કરવાના અને બે દર્દીના મોત બાદ ખ્યાતિ ગ્રુપની એક પછી એક સંસ્થાઓ અને તેની કામગીરી પણ શંકાના દાયરામાં આવી ગઇ છે. ખાસ કરીને ખ્યાતિ ઇન્ટીગ્રેટેડ લો કોલેજ બંધ થઇ ગયા બાદ આ શંકા વધુ બળવત્તર બને છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button