અમદાવાદના મકરબા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મિલકતના લોભે અંધ બનેલા કળિયુગી પુત્રએ પોતાની જ માતાની નિર્મમ હત્યા કરી નાખી છે. આ ઘટના 30 જાન્યુઆરીની મોડી રાત્રે બની હતી.
મકરબામાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક અને તેમના પુત્ર અજય વચ્ચે લાંબા સમયથી મિલકત બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. અજય ઘરના બદલામાં પૈસાની માગ કરતો હતો, જ્યારે માતા ઘર વેચવા કે વહેંચવા તૈયાર નહોતા.
ગઈકાલે રાત્રે આ મુદ્દે ફરી બોલાચાલી થઈ હતી. ગુસ્સામાં આવેલા અજયે બાજુમાં પડેલો લાકડાનો જાડો દંડો ઉપાડી માતાના માથા પર આડેધડ ઘા કર્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા કપિલાબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
આસપાસના લોકોએ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ માથામાં થયેલી ગંભીર આંતરિક ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં આનંદનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપી પુત્ર અજયને ઝડપી લીધો હતો.
પોલીસે અજય વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ માત્ર મિલકત અને પૈસાનો વિવાદ હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાએ સમાજમાં વધી રહેલા ભૌતિકવાદ અને નૈતિક પતન પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે હવે તપાસ શરૂ કરી છે કે આ હત્યા પૂર્વ આયોજન મુજબ કરવામાં આવી હતી કે પછી ક્ષણિક આવેશનું પરિણામ હતી.


Leave a Comment