સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને ઝંઝોળી નાખ્યું છે. સામાન્ય મનદુઃખ અને જૂના વિવાદને કારણે બે સગીર મિત્રોએ પોતાના જ સગીર મિત્રની છરીના ઘા મારી હત્યા કરી નાખી છે.
મૃતક સગીર યુવકનું નામ ધનરાજ રમેશભાઈ કુણપરા હોવાનું જાણવા મળ્યું છે, જે શહેરના જોરાવરનગર હનુમાન ચોક વિસ્તારમાં રહેતો હતો. પોલીસ ફરિયાદ મુજબ આરોપી બે સગીર મિત્રોએ ધનરાજને મોબાઈલ ફોન દ્વારા મેકશન સર્કલ નજીક બોલાવ્યો હતો.
ત્યાં કોઈ બાબતે બોલાચાલી થતાં આરોપીઓએ અચાનક છરી વડે ધનરાજ પર હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલો ધનરાજ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. હાજર મિત્રોએ તેને મોટરસાયકલ પર વચ્ચે બેસાડી તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ જોરાવરનગર પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને પગલે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ તથા પોલીસ મથક ખાતે એકત્રિત થયા હતા અને આરોપીઓને કડક સજા કરવાની માંગ કરી હતી.
પોલીસે રાતભર તપાસ ચલાવી બંને સગીર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કાયદેસરની કાર્યવાહી બાદ બંનેને રિમાન્ડ હોમમાં મોકલી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે, થોડા સમય પહેલા થયેલી બોલાચાલી અને ગાળા-ગાળીની ઘટના મનમાં રાખી આરોપીઓએ આ અતિ ગંભીર કૃત્ય આચર્યું હતું.
આ ઘટના સમાજ માટે ચિંતાજનક સંકેત છે, જ્યાં નાની ઉંમરના યુવકોમાં વધતી હિંસક વૃત્તિ અને હાથમાં સરળતાથી મળતા તીક્ષ્ણ હથિયારો ગંભીર પરિણામો લાવી રહ્યા છે. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.


Leave a Comment