BUSINESS

Business: મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં દેખા દેતા પ્રત્યાર્પણ માટે CBI દોડતી થઈ

પંજાબ નેશનલ બેંક સાથના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી રૂ. 13,400 કરોડનું કૌભાંડ કરવાના બે આરોપી પૈકી એક મેહુલ ચોક્સીએ બેલ્જિયમમાં દેખા દેતા સીબીઆઇએ આ ભાગેડુને ભારત લાવવા ફરી ચક્રો ગતિમાન કર્યા છે.

આમ તો ચોકસી એન્ટિગુઆનો નાગરિક થઇને ત્યાં જ રહે છે, પરંતુ તાજેતરમાં તે તબીબી સારવાર માટે બેલ્જિયમમાં આવ્યો હોવાની માહિતી મળતાં સીબીઆઇ માટે આ આરોપીને ઝડપી લેવાની તક ઊભી થઇ છે એવી માહિતી આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ આપી હતી.

ચોકસી બેલ્જિયમ આવ્યો હોવાની માહિતી મળતાં જ સીબીઆઇએ સ્થાનિક સત્તાવાળાઓ સમક્ષ ચોકસીને તરત જ અટકમાં લેવા માટે રજુઆત કરી છે. આ રજુઆતના જવાબમાં બેલ્જિયમે સત્તાવાર રીતે પ્રત્યાર્પણની દરખાસ્ત કરવા ભારતને જણાવ્યું છે. આથી આ દરખાસ્ત તૈયાર કરીને મોકલવા માટે સીબીઆઇ દિનરાત એક કરી રહી હોવાની માહિતી પણ સૂત્રોએ આપી હતી. સીબીઆઇના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યા અનુસાર જો બેલ્જિયમમાં તાત્કાલિકપણે ચોકસીને અટકમાં ન લેવામાં આવે તો તે આજુબાજુના દેશોમાં ભાગી જાય એવી સીબીઆઇને આશંકા છે, કારણ કે બેલ્જિયમના પાડોશી દેશો જેવા કે ફ્રાન્સ વગેરેમાં બેલ્જિયમમાંથી આસાનીથી પ્રવેશ કરી શકાય છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ અને ઇડીએ મેહુલ ચોકસી અને તેના ભત્રીજા નિરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13,400 કરોડની ઠગાઇ કરવાનો આરોપ મુક્યો છે અને લોનથી મેળવેલા આ નાણાં હવાલાથી વિદેશ મોકલી દેવામાં આવ્યા હોવાની શક્યતા છે. આ કૌભાંડમાં ખુદ બેંકના અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનું કહેવાય છે. હાલમાં નિરવ મોદી યુકેની જેલમાં છે અને ભારત સરકાર તેના પ્રત્યાર્પણ માટે પ્રયત્નો કરી રહી છે. મે મહિનામાં મોદીના વકીલે મુંબઇની એક કોર્ટને જણાવ્યું હતું કે મોદી પોતાના નિયંત્રણ હેઠળ ન હોય એવા કેટલાક કારણોને લીધે ભારત પાછા ફરી શકે એમ નથી. પોતાનો પાસપોર્ટ જે દસ્તાવેજોના આધારે રદ કરવામાં આવ્યો અને ઇડી દ્રારા જે મનિ લોન્ડરિંગની તપાસની ફાઇલની વિગતો મેળવવા માટે પણ મોદીએ ભારતની કોર્ટમાં એક અરજી કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેનો આર્થિક ગુનાસર ભાગેડુ જાહેર કરી શકાય એમ નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button