આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને જનરેટિવ એઆઈને કારણે બેરોજગારી વધી રહી હોવાની ચર્ચા વચ્ચે એક એવો અહેવાલ સામે આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, વાસ્તવમાં એઆઈ રોજગારીની વૃદ્ધિને વેગ આપી શકે છે.
જેના પગલે વર્ષ 2028 સુધીમાં ભારતમાં 27.3 લાખ જેટલી નોકરીઓનું સર્જન થશે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેકનોલોજી સંચાલિત ક્ષેત્રો ખાસ કરીને રિટેલ, ઉત્પાદન, શિક્ષણ અને આરોગ્યસંભાળ માટે કુશળ કામદારોના પ્રવાહની જરૂરિયાત ઊભી થશે. એકલા રિટેલ ક્ષેત્રે જ લાખોની સંખ્યામાં નોકરીઓનું સર્જન થઈ શકે છે. જે સોફ્ટવેર એપ્લિકેશન ડેવલપમેન્ટ અને ડેટા એન્જિયરિંગ જેવા ક્ષેત્રોમાં રિસ્કિલિંગ માટેની તકો સર્જી શકે છે. ત્યારબાદ મેન્યુફેકચરિંગ ક્ષેત્રે નોકરીઓની પંદર લાખ તકો સર્જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આરોગ્ય સંભાળ ક્ષેત્રે રોજગારીની નવી આઠ લાખ તકો પેદા થઈ શકે છે. જે અપેક્ષિત રીતે આર્થિક વૃદ્ધિ અને ટેકનિકલ પરિવર્તનને આભારી છે. એક વિરોધાભાસી દ્રષ્ટિકોણ એ પણ છે કે, એક સમયે ભારતની વસ્તીને એક મુખ્ય આર્થિક લાભ રૂપે જોવામાં આવતી હતી. પણ જો આ વસ્તી માટે જરૂરી પ્રમાણમાં રોજગારીની તકો પેદા નહીં થાય તો આ વસ્તી વિસ્ફોટ જવાબદારીમાં ફેરવાઈ શકે છે.
આ અહેવાલમાં રજૂ કરાયેલા અભ્યાસના તારણોમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતના વિકાસ એન્જિનોમાં રોજગાર સર્જન માટે એઆઈ એક અગ્રણી ઉત્પ્રેરક હશે. ખાસ કરીને ત્યાં જ્યાં ઉન્નત ટેકનીકલ કૌશલ્યની જરૂરિયાતની ભૂમિકા વિશેષ પ્રમાણમાં રહે છે. આ સ્થિતિ ઉચ્ચ કૌશલ્ય ધરાવતાં લોકો માટે રોજગારીની અનેક તકોનું સર્જન કરશે. સાથે તેમને એક સ્થિર ડિજિટલ કારકીર્દી બનાવવા માટે પણ બળવાન બનાવશે.
એક એઆઈ કંપનીના સંસ્થાપકે જણાવ્યું હતું કે, ભારતની વસ્તીના લાભો વિશે ઘણું બધું કહેવામાં, લખવામાં અને પ્રચાર કરવામાં આવ્યું છે. બની શકે કે, ભારતની વસ્તી કોઈ સમયમાં આર્થિક રીતે લાભકારક રહી હોય પણ અમે એ વાતથી સારી રીતે માહિતગાર છીએ કે, આપણી આર્થિક નીતિઓના માધ્યમથી આ લાભ પર કેવી રીતે કર લાદવામાં આવ્યો છે. તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, ભારતના અર્થતંત્રનો 60 ટકાથી વધુ ભાગ સેવા ક્ષેત્રથી પ્રાપ્ત થાય છે. જે દૈનિક જીવનમાં તમામ ક્ષેત્રે ફેલાયેલ છે. જેમાં આઈટી અને કેપીઓથી માંડી નાણાંકીય અને કાનૂની સેવાઓ સુધીનો સમાવેશ થાય છે. ભારતના યુવાઓની મહત્વકાંક્ષાઓ હવે પરંપરાગત ફેકટરી નોકરીઓ સાથે મેળ ખાઈ રહી નથી.
Source link