BUSINESS

Business હવેથી વીમા કંપનીઓએ ડેથ ક્લેઈમની પતાવટ 30ના બદલે 15 દિવસમાં કરવી

ઈન્શ્યોરન્સ રેગ્યૂલેટર એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઈરડા)એ વીમા કંપનીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતાં વિવિધ વીમાના દાવાની પતાવટ કરવાની સમય મર્યાદા ઘટાડી અડધી કરી નાંખી છે.

વીમા કંપનીઓની જવાબદારી અને ગ્રાહક પ્રત્યેની સેવાને વધુ અસરકારક અને ગુણવત્તાસભર બનાવવાના હેતુથી ઈરડા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાઈફ ઈન્શ્યોરન્સના ડેથ ક્લેઈમ કે જેમાં તપાસની જરૂર નથી તે દાવાની ફરજિયાત 15 દિવસમાં પતાવટ કરવી પડશે. આ અગાઉ આ મર્યાદા 30 દિવસની હતી. તેમજ આ અગાઉ ડેથ ક્લેઈમના મામલામાં તપાસની જરૂર હોય તો દાવાની પતાવટની સમય મર્યાદા 90 દિવસ હતી, જે હવે ઘટાડીને 45 દિવસ કરવામાં આવી છે. વીમા નિયમનકારે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રાહકોની ફરિયાદના કિસ્સામાં વીમા કંપનીઓએ તાત્કાલિક ફરિયાદ નોંધ લેવી જોઈએ અને 14 દિવસની અંદર ફરિયાદ પર કાર્યવાહી શરૂ કરવી જોઈએ. જો આ સમયગાળામાં સમસ્યાઓનું સમાધાન કરવામાં ન આવે તો વીમા કંપનીઓએ ફરિયાદની મૂળ તારીખના 14 દિવસની અંદર ફરિયાદ કરનારને જાણ કરવી આવશ્યક છે.

ઈરડાએ પોલિસીધારકોના હિતોનું રક્ષણ કરવા માટેના પોતાના માસ્ટર સર્ક્યુલરમાં જણાવ્યું હતું કે, પાકતી મુદ્દતના દાવા, સર્વાઈવલ બેનિફિટ, એન્યુઈટિ પેમેન્ટ્સની તેમની નિયત તારીખોએ પતાવટ કરવી જોઈએ. વીમા કંપનીઓ પણ અમને નિયત તારીખના ઓછામાં ઓછા એક મહિના પહેલાં પાકતી મુદ્દત અથવા સર્વાઈકલ લાભો જેવી પોલિસી ચૂકવણીઓ સંબંધિત પ્રીમિયમ માહિતી મોકલે તેવી અપેક્ષા છે. રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, જો કંપનીઓ આ સમયમર્યાદાનું પાલન કરવામાં નિષ્ફળ નિવડશે તો ગ્રાહકો વીમા કંપનીઓને નિર્દેશિત કરવાની સત્તા ધરાવતાં લોકપાલનો સંપર્ક કરી શકે છે.

નવા બિઝનેસ પ્રસ્તાવ અંગે વીમા કંપનીઓ માટે જરૂરી છે કે, તેઓ આવી દરખાસ્તો પરની કાર્યવાહી તેમજ જો વધારાની માહિતી મંગાવવાની સ્થિતિ પેદા થાય તો આ સમગ્ર પ્રક્રિયા સાત દિવસમાં પૂરી કરી લેવી જોઈએ. તેમજ પ્રપોઝલ ફોર્મ સાથે પોલીસીની નકલ પણ વીમાધારકને ફરજિયાતપણે 15 દિવસમાં ઉપલબ્ધ કરાવવી પડશે. આરોગ્ય વીમાના કિસ્સામાં નિયમનકારે ફરીથી નિર્ધારિત કર્યું છે કે, કેશલેસ દાવાઓ ત્રણ કલાકની અંદર અને નોન-કેશલેસ દાવા 15 દિવસમાં પતાવવા જોઈએ. પોલિસી લોન સંબંધિત સેવાઓ અને મૂળ પોલિસી શરતોમાં ફેરફાર પણ સાત દિવસની સમયરેખામાં પૂર્ણ કરવાના રહેશે. વીમા કંપનીઓએ પ્રાદેશિક ભાષામાં પ્રપોઝલ ફોર્મ્સ અને સીઆઈએસ ઓફર કરવી જોઈએ અને જીવન તથા આરોગ્ય વીમા પોલિસી માટે 30 દિવસનો ફરી-લોક સમય આપવો જોઈએ. ઉપરાંત જ્યાં સુધી તાત્કાલિક જોખમ કવરેજ પૂરૂં પાડવામાં ન આવે ત્યાં સુધી દરખાસ્ત ફોર્મ સાથે કોઈ પ્રીમિયમની જરૂર નથી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button