ઘરઆંગણે લગ્નગાળો શરૂ થયો છે તેવા સમયે સોના અને ચાંદીના ભાવોમાં સતત ઘટાડો થતાં જ્વેલરીની ખરીદી કરવા માંગતા લોકોને રાહત થઈ છે. વૈશ્વિક પરિબળો પાછળ વિતેલા ત્રણ દિવસોમાં સ્થાનિક સ્તરે સોનાના ભાવમાં રૂ. 3,000નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીમાં રૂ. 5,000ની નરમી આવી છે. બુલિયન વિશ્લેષકોના મતે અમેરિકામાં ફુગાવો મર્યાદિત રહેતા અને અન્ય કરન્સી સામે ડોલર મજબૂત થવાથી વૈશ્વિક બુલિયન માર્કેટમાં વેચવાલી વધી છે.
અમદાવાદ ખાતે ગુરિવારે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ રૂ. 1,300 ઘટીને રૂ. 76,500 ઉપર આવી ગયું છે, જે ગત સોમવારે રૂ. 79,500 પ્રતિ 10 ગ્રામ હતું. તેવી જ રીતે ચાંદી જે સપ્તાહની શરૂમાં રૂ. 93,000 પ્રતિ કિલો હતી તે ગુરુવારે રૂ. 3,000 ઘટીને રૂ. 88,000 પ્રતિ કિલો થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું 66 ડોલર તૂટીને 2545 ડોલર પ્રતિ ઔંસ થયું છે. તેમજ ચાંદી 1.10 ડોલર નીચી આવીને 29.86 ડોલર પ્રતિ ઔંસ થઈ છે. પાછલા ત્રણ દિવસોમાં વૈશ્વિક સોનું 124 ડોલર અને ચાંદી 1.60 ડોલર ઘટી છે.
વાયદા બજારમાં MCX સોનાનો ડિસેમ્બર વાયદો રૂ. 722 ઘટીને રૂ. 74,482 પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદી ડિસેમ્બર કોન્ટ્રાક્ટ રૂ. 1447 ઘટીને રૂ. 89,197 પ્રતિ કિલો થયો હતો. ગુરુવારે મોડી સાંજે કોમેક્સ 27.80 ડોલર નરમ પડીને 2558.70 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 62.8 સેંટ ઘટીને 30.03 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
કોમોડિટી નિષ્ણાતોએ જણાવ્યું કે, ફુગાવાના આંકડા આવ્યા બાદ મોંઘવારી મર્યાદામાં રહે તેવી ધારણા પછી ડોલર પ્રારંભિક નબળાઈમાંથી પાછો ર્ફ્યો હોવાથી સોનું ઘટયું હતું. મિનેપોલિસ ફેડરલ રિઝર્વ બેંકના પ્રમુખ નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ફુગાવો નીચો જઈ રહ્યો છે. આ બધાના કારણે ટ્રેડર્સ નફે બૂક કરી રહ્યા છે, જેનાથી સોના ઉપર દબાણ વધી રહ્યું છે. આ સાથે જ ચાંદીમાં પણ સપ્લાય વધી છે અને ઔદ્યોગિક ડિમાન્ડ સમાન્ય રહે છે તેના કારણે ભાવો દબાણ હેઠળ રહેવાની ધારણા છે.
સોનાની માંગ ચાર વર્ષની નીચી સપાટીએ રહેવાની ધારણા
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (WGC) જણાવ્યું હતું કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં પીક ફેસ્ટિવલ સીઝન દરમિયાન ભાવમાં રેકોર્ડ ઊંચાઈએ આવેલી તેજીને કારણે ખરીદીમાં ઘટાડો જોવા મળે છે. તે જોતાં ભારતની સોનાની માંગ 2024માં ચાર વર્ષમાં સૌથી નીચી સપાટીએ જવાની સંભાવના છે. કિંમતી ધાતુના વિશ્વના બીજા સૌથી મોટા ગ્રાહકમાં સોનાની માંગ 700થી 750 મેટ્રિક ટન વચ્ચે રહી શકે છે. આ લેવલ 2020 પછીનું સૌથી ઓછું અને ગયા વર્ષના 761 ટનથી પણ ઓછું છે.
Source link