તાજેતરમાં વધી રહેલા જિયો પોલિટિકલ ટેન્શન, વિદેશી રોકાણકારોનો ચીની બજાર તરફ વધી રહેલો ઝુકાવ અને આગામી સમયમાં આવનારા યુએસના આર્થિક ડેટા પહેલા આજે રોકાણકારોએ ઊંચા મથાળે પ્રોફિટ બુક કરવાની નીતિ અપનાવતા ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો હતો અને પાછલા સપ્તાહે નોંધાવેલી વિક્રમી ટોચથી 1,679 પોઇન્ટ તૂટી સેન્સેક્સે 85,000ની, જ્યારે 467 પોઇન્ટ તૂટી નિફ્ટીએ 26,000ની સપાટી ગુમાવી હતી.
દિવસને અંતે આ બન્ને સુચકાંકો અનુક્રમે 1,272 પોઇન્ટ અને 368 પોઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. રોકાણકારોએ ખાસ કરીને બેંકિગ-ફાયનાન્સિયલ તથા આઇટી શેરોમાં પ્રોફિટ બુકિંગ કરતાં આ શેરોમાં તીવ્ર મંદી જોવા મળી હતી. બીજી તરફ ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ 3.23 ટકા તૂટતા બજાર ધોવાયું હતું.
આજે પ્રારંભે જ સેન્સેક્સ 363 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને તે પછી આ સુચકાંકમાં સતત ઘટાડાની ચાલ આગલ વધી હતી. ઇન્ટ્રા ડેમાં 85,359ની હાઇ અને 84,257ની લો સપાટી નોંધાવ્યા પછી સેન્સેક્સ દિવસને અંતે 1,272 પોઇન્ટ એટલે કે 1.49 ટકા ઘટીને 84,299ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ સેન્સેક્સમાં દિવસ દરમિયાન કુલ 1,102 પોઇન્ટની વધઘટ જોવા મળી હતી. પાછલા સપ્તાહે સેન્સેક્સે 85,978ની પોતાની નવી ઐતિહાસિક ટોચ બનાવી હતી, જેનાથી આજની બંધ સપાટી 1,679 પોઇન્ટ નીચે છે. બીજી તરફ નિફ્ટી પણ પ્રારંભે 117 પોઇન્ટ નીચામાં ખુલ્યો હતો અને ઇન્ટ્રા ડેમાં 26,134ની હાઇ અને 25,794ની લો સપાટી બનાવ્યા પછી દિવસને અંતે નિફ્ટી 368 પોઇન્ટ એટલે કે 1.41 ટકા ઘટીને 25,810ની સપાટીએ બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન કુલ 340 પોઇન્ટની વધઘટ પછી નિફ્ટી ગયા સપ્તાહે નોંધાયેલી તેની 26,277ની વિક્રમી ટોચથી કુલ 467 પોઇન્ટ તૂટીને બંધ રહ્યો હતો.
લાર્જકેપ શેરોમાં આજે ભારે મંદીના માહોલ વચ્ચે બ્રોડર માર્કેટમાં આજે મિશ્રા ચાલ જોવા મળી હતી. મિડ કેપ શેરોમાં આમ તો મંદીતરફી ચાલ હતી પણ તેમાં જોવા મળેલો ઘટાડો લાર્જકેપની તુલનાએ અત્યંત ઓછો હતો, જ્યારે સ્મોલ કેપ શેરોમાં તો ધીમી તેજી જોવા મળી હતી. ભારે અફ.રાતફરીના માહોલ વચ્ચે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ આજે 138 પોઇન્ટ એટલે કે 0.28 ટકા ઘટીને 49,351ની સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલ કેપ ઇન્ડેક્સ તો 39 પોઇન્ટ એટલે કે 0.07 ટકા વધીને 57,130ની સપાટીએ બંધ રહ્યો હતો.
એસએમઇ આઇપીઓ શેરોમાં પણ આજે ભારે અફરાતફરીભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઇન્ટ્રા ડેમાં કુલ 1,951 પોઇન્ટની ઉથલપાથલ પછી બીએસઇ એસએમઇ આઇપીઓ ઇન્ડેક્સ દિવસને અંતે 480 પોઇન્ટ એટલે કે 0.47 ટકા ઘટીને 1,02,376ની સપાટીએ બંધ રહ્યો હતો.
બીએસઇ પર આજે ટ્રેડ થયેલા કુલ 4,193 શેરો પૈકી 1,819 વધીને, 2,223 ઘટીને અને 151 ફ્લેટ મથાળે બંધ રહ્યા હતા. 302 શેરોએ આજે બાવન સપ્તાહની ટોચ બનાવી હતી, જ્યારે 58 શેર બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન આજે ઘટીને રૂ. 474.35 લાખ કરોડ એટલે કે 5.66 ટ્રિલિયન ડોલર નોંધાયું હતું જે, શુક્રવારના રૂ. 477.93 લાખ કરોડના આંકડાથી રૂ. 3.58 લાખ કરોડનો ઘટાડો દર્શાવે છે.
સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 પૈકી માત્ર 5 જ શેર આજે વધીને બંધ રહ્યા હતા. જેએસડબ્લ્યુ સ્ટીલમાં 2.82 ટકાનો, એનટીપીસીમાં 1.27 ટકાનો, ટાટા સ્ટીલમાં 1.17 ટકાનો, એશિયન પેઇન્ટ્સમાં 0.55 ટકાનો અને ટાઇટનમાં 0.19 ટકાનો વધારો નોંધાયો હતો. બીજી તરફ 30 પૈકી 17 શેર 1 ટકાથી 3.23 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા. રિલાયન્સમાં સૌથી વધારે 3.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જે પછીના ક્રમે આવતા એક્સિસ બેકમાં 3.12 ટકાનો, એમ એન્ડ એમમાં 2.70 ટકાનો, આઇસીઆઇસીઆઇ બેંકમાં 2.58 ટકાનો, નેસ્લે ઇન્ડિયામાં 2.12 ટકાનો અને ટેક મહિન્દ્રામાં 2.10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ નિફ્ટીના 50 પૈકી 9 શેરો જ વધીને બંધ રહ્યા હતા. ઘટનારા 41 પૈકી 24 શેરમાં તો 1 ટકાથી 4.03 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી પર હિરો મોટર કોર્પ સૌથી વધારે 4.03 ટકા ઘટયો હતો.
વોલેટાલિટી ઇન્ડેક્સ આજે 6.89 ટકા વધીને 12.79ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પરના 14 સેકટોરલ ઇન્ડેક્સ પૈકી માત્ર બે જ ઇન્ડેક્સમાં આજે વધારો નોંધાયો હતો. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ 1.33 ટકા જ્યારે નિફ્ટી મિડિયા ઇન્ડેક્સ 1.12 ટકા વધીને બંધ રહ્યો હતો. આ સિવાયના 12 સેકટોરલ ઇન્ડેક્સ 0.27 ટકાથી 2.11 ટકા સુધી ઘટીને બંધ રહ્યા હતા.
રિલાયન્સ, HDFC બેંક, એક્સિસ બેંક – માત્ર ત્રણ શેરના કારણે જ સેન્સેક્સમાં 730 પોઇન્ટનો કડાકો
આજે ઇન્ડેક્સ હેવિવેઇટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 3.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય હેવિવેઇટ શેર એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પણ અનુક્રમે 1.19 ટકા અને 3.12 ટકા તૂટયા હતા. માત્ર આ ત્રણ શેરમાં જ આટલો ઘટાડો સેન્સેક્સમાં થયેલા કુલ 1,272 પોઇન્ટના ઘટાડામાંથી 730 પોઇન્ટના ઘટાડા માટે જવાબદાર છે.
FIIની 9,791 કરોડની નેટ વેચવાલી । FIIએ આજે ભારતીય શેરબજારમાં રૂ. 9,791 કરોડની નેટ વેચવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 6,645 કરોડની નેટ લેવાલી કરી હતી. આ સાથે સપ્ટેમ્બરમાં FIIએ કરેલી નેટ ખરીદીનો આંકડો ઘટીને રૂ. 12,612 કરોડ થાય છે, જ્યારે DIIની નેટ ખરીદીનો આંકડો રૂ. 30,856 કરોડ થાય છે.
સોમવારની મહામંદીના મુખ્ય કારણો
ચીનના આર્થિક પગલાં : ચીનની સરકારે અર્થતંત્રને વેગ આપવા શ્રોણીબદ્ધ પગલાં લીધા તેને પગલે વિદેશી રોકાણકારો ફરી ચીની શેરબજાર તરફ વળ્યા હતા અને આના પગલે ચીનનો બ્લુચીપ ઇન્ડેક્સ સીએસઆઇ 300 3 ટકા અને શાંગહાઇ કોમ્પોસાઇઝ ઇન્ડેક્સ 4.4 ટકા વધ્યો હતો. આ ઉપરાંત ચીનની મધ્યસ્થ બેંકે વર્તમાન હોમ લોન માટે મોર્ગેજ રેટ ઓછા કરવાની પણ જાહેરાત કરી છે, જેને પગલે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
જિયોપોલિટિકીલ ટેન્શન : લેબનોનમાં ઇઝરાયેલની સ્ટ્રાઇકના પગલે વૈશ્વિક બજારોમાં અનિિૃતતા ઊભી થઇ છે. જોકે ક્રુડના ભાવ હાલમાં તો નિયંત્રણ હેઠળ છે પરંતુ જો મિડલ ઇસ્ટમાં ટેન્શન વધે તો વૈશ્વિક સ્તરે ઉર્જાના સપ્લાય અંગે ચિંતા વધી શકે છે.
યુએસના આર્થિક ડેટાની જાહેરાત : યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ આજે મોડી રાત્રે સ્પિચ આપવાના છે. તે પછી સતત સપ્તાહ દરમિયાન ફેડરલના વિવિધ ઉચ્ચ અધિકારીઓ પણ સ્પિચ આપવાના છે. આ ઉપરાંત જોબ, ઉત્પાદન અને સર્વિસીસી અંગેના ડેટા પણ જાહેર થવાના છે.
બેંક ઓફ જાપાન દ્રારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તે અંગેની ચિંતા : જાપાનના શાસક પક્ષે મંગળવારે પદ છોડનારા જાપાનના વડાપ્રધાનના સ્થાને પૂર્વ ડિફેન્સ મિનિસ્ટર શિગુરુ ઇશિબાની પસંદગી કરી છે. ઇશિબા બેંક ઓફ જાપાન દ્રારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેના હિમાયતી છે.
Source link