ધંધૂકા-ભાલને નવો જિલ્લો બનાવવા માટે પાછલા ત્રણ ચાર દિવસથી પંથકમાં જોરદાર ચહલપહલ જોવા મળી રહી છે.
જે અનુસંધાને ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી ધંધુકાને સત્વરે જિલ્લો જાહેર કરવા માટે માંગ કરી છે. તો પંથકની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ અને સરપંચો પણ જિલ્લો બનાવવાના અભિયાનમાં જોડાઈ રહ્યા છે. સ્થાનિક અને ઉચ્ચકક્ષાએ ધંધૂકાને જિલ્લો બનાવવાની રજૂઆત કરી રહ્યા છે. આર્થિક, રાજકીય, શૈક્ષણિક, ઔદ્યોગિક તમામ દ્રષ્ટિકોણથી પછાત ગણાતા ધંધુકા ભાલ પંથકના વામણા રાજકીય નેતૃત્વને કારણે આ પંથક લાયક હોવા છતાં જિલ્લો જાહેર નથી કરાયો. ત્યારે હવે ધંધૂકાની નજીકના ધોલેરા તાલુકામાં સરનું વૈશ્વિક નગર આકાર લઈ રહ્યું છે. ત્યારે ધંધૂકા ભાલ જિલ્લો જાહેર કરવાની મુહિમ તેજ બની છે. સોશિયલ મીડિયામાં જોરશોરથી જિલ્લાની માંગણી કરતા પોસ્ટર અને પોસ્ટ મુકાઈ રહી છે. સ્વંયભુ શરૂ થયેલી આ ચળવળમાં સામાન્ય જન પણ ઉત્સાહ સાથે જિલ્લાની માંગ કરી રહયા છે. ધંધૂકાના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલે પણ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ધંધૂકાને જિલ્લો બનાવવા માંગ કરી છે. તો વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિ ઓ પણ જિલ્લો બનાવવાના અભિયાન માં જોડાઈ રહ્યા છે અને સહી અભિયાનથી માંડી અન્ય કાર્યક્રમો પણ સ્વંયભુ રીતે આગામી દિવસોમાં શરૂ થનાર છે.
જિલ્લા માટે વર્ષોથી જનતા માંગ કરી રહી છે
ધંધૂકાની જિલ્લો બનાવવાની માંગ જે સમયે શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે કરવામા આવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં પણ સરકારમાં ધંધૂકાને જિલ્લો બનાવવા રજૂઆત કરાઈ હતી અને સરકાર તેમાં વિચારણા અને કાર્યવાહી કરી રહી હોવાના પત્રો પણ અરજકર્તાને મળ્યા હતા.
નવા જિલ્લાનું કાલ્પનિક ચિત્ર કેવું ?
ધંધૂકા ભાલ નવો જિલ્લો બનાવવા માટે પૂર્વ ધારાસભ્ય દ્વારા ધંધૂકા તાલુકો, ધોલેરા તાલુકો, બરવાળા અને રાણપુર તાલુકાઓ સાથે બગોદરા વિસ્તારના ગામોને સમાવિષ્ટ કરી બનાવી શકાય તેવું તેમનાં પત્રમાં મુખ્યમંત્રીને જણાવ્યું છે.
Source link