જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં ભારતીય સેનાના 3 પેરાટ્રૂપર્સ ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ સુરક્ષાદળઓએ આતંકીઓને ઘેરી લીધા છે અને હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરના સમયમાં આતંકવાદી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.
3 પેરાટ્રૂપર્સ ઘાયલ
મહત્વનું છે કે કિશ્તવાડમાં રવિવારે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી જેમાં સેનાના ત્રણ પેરાટ્રૂપર્સ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સુરક્ષા દળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. છેલ્લા 15 કલાકમાં ઘાટીમાં એન્કાઉન્ટરની આ ત્રીજી ઘટના છે. ગઈકાલે સુપૌલમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર
કિશ્તવાડ ઉપરાંત શ્રીનગરમાં પણ રવિવારે સવારથી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ નિશાત બાગમાં આતંકીઓ છુપાયેલા છે. સુપૌલમાં પણ સેના સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. છેલ્લા એક મહિનામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે દરરોજ અથડામણ થઈ રહી છે, જેમાં સુરક્ષાદળોને ઘણી સફળતા મળી છે.
કિશ્તવાડમાં સર્ચ ઓપરેશન
શુક્રવારે સર્ચ ઓપરેશન દરમિયાન કિશ્તવાડમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા બે વિલેજ ડિફેન્સ ગાર્ડ્સ (વીડીજી)ના મૃતદેહ એક નાળાની નજીકથી મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હત્યા માટે જવાબદાર આતંકવાદીઓને શોધવા માટે કિશ્તવાડમાં મોટા પાયે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.