NATIONAL

Rahul Gandhi: બંને બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસે આપ્યા આટલા કરોડ રૂપિયા

  • કોંગ્રેસે ચૂંટણી પંચને સોંપી લોકસભાની ચૂંટણીના ખર્ચની વિગત
  • કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને કેટલા આપવામાં આવ્યા ચૂંટણી માટે પૈસા ?
  • કોંગ્રેસ દ્વારા આપવામાં આવી જાણકારી

હાલમાં જ લોકસભાની ચૂંટણી સંપન્ન થઇ. જેમાં કોંગ્રેસે 99 બેઠક મેળવી છે. ત્યારે ચૂંટણી લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારને કેટલા પૈસા આપવામાં આવ્યા તે વિશે ચૂંટણી પંચે વિગતો માગી હતી. જેમાં રાહુલગાંધીને વાયનાડ અને રાયબરેલીથી ચૂંટણી લડવા માટે 70-70 લાખ રૂપિયા કોંગ્રેસે આપ્યા હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા ચૂંટણી પંચને આ જાણકારી આપવામાં આવી હતી.

રાહુલગાંધીને કેટલા મળ્યા હતા રૂપિયા ?

રાહુલને બે બેઠકો પરથી ચૂંટણી લડવા માટે 70-70 લાખ મળીને કુલ 1 કરોડ 40 લાખ રૂપિયા મળ્યા હતા. જો કે ચૂંટણી લડવા માટે સૌથી વધુ રકમ મેળવનારા નેતા રાહુલ ગાંધી નહી પણ

 કોંગ્રેસના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ હતા. તેમને પાર્ટી ફંડમાંથી 87 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જો કે તેઓ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે ચૂંટણી હારી ગયા હતા.

પાર્ટીમાંથી કોને મળ્યા કેટલા રૂપિયા ?

કિશોરી લાલ શર્મા કોંગ્રેસના ઉમેદવારોમાં સામેલ હતા જેમને લોકસભા ચૂંટણી 2024માં 70 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કિશોરી લાલ શર્માએ અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીને હરાવ્યા છે.

કોંગ્રેસના નેતાઓમાં, કેસી વેણુગોપાલ (કેરળમાં અલાપ્પુઝા) અને મણિકમ ટાગોર (તમિલનાડુમાં વિરુધુનગર)ને પણ 70-70 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. કર્ણાટકના ગુલબર્ગાના કોંગ્રેસના ઉમેદવારો રાધાકૃષ્ણ અને વિજય ઈન્દર સિંગલાને (પંજાબમાં આનંદપુર સાહિબ) પણ ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી 70-70 લાખ રૂપિયા મળ્યા હતા.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માને 46 લાખ રૂપિયા અને પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જોકે આ બંને નેતાઓ ચૂંટણી હારી ગયા હતા.

રાહુલ ગાંધી રાયબરેલી તેમજ વાયનાડથી જીત્યા હતા, પરંતુ તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. તેઓ હવે લોકસભામાં વિપક્ષના નેતા છે. લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસે કુલ 99 બેઠકો જીતી હતી અને તેમાંથી રાહુલ ગાંધી બે બેઠકો પર વિજયી થયા હતા.

શું હોય છે ખર્ચની મર્યાદા ?

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર માટે ઉમેદવાર દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા હોય છે. પરંતુ રાજકીય પક્ષો માટે આવી કોઈ મર્યાદા નથી. જાન્યુઆરી 2022માં ચૂંટણી પંચની ભલામણના આધારે સરકારે લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા 70 લાખ રૂપિયાથી વધારીને 95 લાખ રૂપિયા અને વિધાનસભાની ચૂંટણી માટે 28 લાખ રૂપિયાથી વધારીને 40 લાખ રૂપિયા કરી દીધી હતી. લોકસભા ચૂંટણી માટે સંશોધિત ખર્ચ મર્યાદા હવે મોટા રાજ્યો માટે રૂ. 90 લાખ અને નાના રાજ્યો માટે રૂ. 75 લાખ છે. 2024ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી અને 4 જૂને પરિણામ જાહેર થયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button