GUJARAT

તંત્રની બેદરકારીથી CTM નું સોહમ તળાવ દબાણોથી નામશેષ થઈ ગયું

  • જિલ્લા કલેક્ટર હેઠળની કચેરી દ્વારા નોટીસનો ખેલ ચાલતો હોવાની ચર્ચા
  • સરકારી જમીન પર 100થી વધુ કાચા-પાકા મકાનો બની ગયાં અને સર્કલ ઓફિસર ઊંઘતા રહ્યા!
  • ઉલટાનું કાચા-પાકા મકાનોની વસ્તી વધતી જાય છે

અમદાવાદ જિલ્લા કલેકટર હેઠળની કચેરીઓની લાપરવાહીના લીધે મ્યુનિ.કોર્પોરેશનના હાટકેશ્વર- ભાઇપુરા વોર્ડના સીટીએમમાં આવેલા સરકારી સોહમ તળાવની જમીન પર દબાણો થઈ ગયા છે.

હાલમાં સરકારી જમીન પર 100થી વધુ કાચા-પાકા મકાનો બની ગયા હોવા છતાં મામલતદારથી લઇ સર્કલ ઓફિસર સહિતનો સ્ટાફ ઊંઘતો રહ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ચુનીલાલ પાર્ક, રાધાક્રિષ્નાનગર, સ્વામીનારાયણ પાર્ક અને હનુમાનનગરના રહેવાસીઓમાંથી ઘણાં સભ્યોએ કરેલી ફરિયાદોમાં માત્ર નોટીસ જ અપાય છે. આગળ કોઇ કાર્યવાહી જ થતી નથી. કોઈના રાજકીય લાભ કે કોઈના દબાણથી જિલ્લા કલેકટર હેઠળની કચેરી દ્વારા નોટીસનો ખેલ ચાલતો હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે.

આ તળાવને પુનઃજીવિત કરવા સ્થાનિકોએ જિલ્લા કલેકટરથી લઇ મ્યુનિ.કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરી છે અને દબાણો અંગે ફરિયાદો કરી છે. પરંતુ ફરિયાદનો નિકાલ થતો નથી. ઉલટાનું કાચા-પાકા મકાનોની વસ્તી વધતી જાય છે. તાજેતરમાં પ્લોટીંગ કરીને વેચાણ કરવાનો કારસો રચાઇ રહ્યો હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી પણ જિલ્લા કલેકટર કચેરી હેઠળની મામલતદાર કે સર્કલ ઓફિસરની કચેરીઓએ નોટીસ આપી ફરજ પુરી કરી દીધાનો સંતોષ માની લીધો છે. બે વર્ષ પહેલા પણ નોટીસ અપાઇ હતી. આ કેસમાં માત્ર નોટીસ અપાય છે પણ કાર્યવાહી થતી નહીં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. આ મામલે તત્કાલિન સર્કલ ઓફિસરે કહ્યું કે, હું છ મહિના ચુંટણીમાં હતો. દબાણ અંગે મને જાણકારી નથી. તાજેતરમાં મારી બદલી થઇ ગઇ છે.

હાટકેશ્વર વોર્ડનું વરસાદી પાણી તળાવમાં ડાઈવર્ટ કરવાના પ્લાનનું સુરસુરિયું

વોર્ડનું વરસાદી પાણી તળાવમાં ડાયવર્ટ કરવા માટે તત્કાલિન રાજકીય હોદ્દેદારો સહિત અગ્રણીઓએ મ્યુનિ.કોર્પોરેશન સાથે મળી આયોજન કર્યુ હતું. બજેટ ફાળવવા સુધીની વાત નક્કી હતી. સમય જતાં રાજકીય હોદ્દેદારો બદલાઇ ગયા અને પ્લાનનું પણ સુરસુરિયું થઇ ગયું છે. હાલ વરસાદની સિઝનમાં વારંવાર પાણી ભરાવવાની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે. મ્યુનિ. તંત્ર પણ કોઇ રસ્તો કરી શકતું નથી. કેટલાક રાજકીય હોદ્દેદારોના આશીર્વાદથી તળાવમાં ગેરકાયદે મકાનોને વેગ મળ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button