NATIONAL

Delhi: બ્રિટન, કેનેડા,ઓસ્ટ્રેલિયાના કડક ઇમિગ્રેશન કાયદા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો સંઘર્ષ વધારી રહ્યા છે

આજના સ્પર્ધાત્મક વિશ્વમાં આરામદાયક જીવન જીવવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું જરૂરી છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તો પોતાના દેશમાં જ ઉચ્ચ શિક્ષણ મેળવતા હોય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું પણ પસંદ કરતા હોય છે. ભારતના વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ખાસ કરીને અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુરોપના કેટલાક દેશો પર પસંદગી ઉતારતા હોય છે.

આ દેશો ભારતીય વિદ્યાર્થીઓને એટલા માટે અકર્ષતા હોય છે કે ત્યાં ટોચની યુનિવર્સિટી આવેલી છે અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે છે. તે ઉપરાંત વિકસિત દેશોમાં અભ્યાસ કરવાથી રોજગારીની તકો પણ વધી જતી હોય છે.

જોકે આવી ટોચની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો તે પણ એક પડકારરૂપ ઘટના છે. તેમાં ય હવે ઇમિગ્રેશનના કડક કાયદા જેવા અવરોધો આવતા હોય છે. સંખ્યાબંધ દેશો હવે ઇમિગ્રેશન નીતિને કડક બનાવી ચૂક્યા છે. વિવિધ દેશોના બદલાયેલા ઇમિગ્રેશન નિયમો વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રભાવિત કરતા હોય છે તેના પર એક નજર નાખી લઈએ.

કેનેડા : ઇમિગ્રેશન નિયમ બદલાયા

તાજેતરમાં મળેલા અહેવાલો સૂચવે છે કે કેનેડામાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ નીતિ વિષયક આવેલા નવા ફેરફારો સામે વિરોધ નોંધાવી રહ્યા છે. કેનેડામાં વિશ્વમાં બહેતર રેન્કિંગ ધરાવતી યુનિવર્સિટી આવેલી હોવાથી ભારતના વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જવાનું પસંદ કરતા હોય છે. ટોચની 100 યુનિવર્સિટીની યાદીમાં ટોરોન્ટો યુનિવર્સિટી 25મા ક્રમે, તો મેકગિલ યુનિવર્સિટી 29મા ક્રમે છે. પરંતુ કેનેડાની ઇમિગ્રેશન નીતિમાં તાજેતરમાં આવેલા ફેરફાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોટાપાયે પ્રભાવિત કરી શકે છે. નવા ફેરફાર મુજબ 1લી જાન્યુઆરી 2024થી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી માટે તેમના બેન્ક ખાતામાં કોસ્ટ ઓફ લિવિંગ ફંડની ઊંચી રકમ જરૂરી બની રહી છે. વિદ્યાર્થી માટે સ્ટડી પમિટ મેળવવા તેમના બેન્ક ભંડોળમાં સીએડી ઉપરાંત પ્રથમ વર્ષની ટયૂશન ફી અને મુસાફરી ખર્ચની રકમનું ભંડોળ રાખવું પણ ફરજિયાત છે. ઓફ કેમ્પસ વર્કિંગ અવરની જોગવાઈમાં પણ ફેરફાર થયા છે. હાલમાં અમલી હંગામી નીતિ મુજબ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એપ્રિલ, 2024 સુધી પ્રતિ સપ્તાહ 20 કલાકથી વધુ કલાક કામ કરી શકતો હતો. 1લી મેથી 31 ઓગસ્ટ સુધી તે મર્યાદા 20 કલાકની જ રહી. 1લી સપ્ટેમ્બરથી પ્રતિ સપ્તાહ 24 કલાક કામ કરી શકે છે. કેનેડાએ વર્ષ 2024 માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને પ્રવેશ માટેની નિર્ધારિત સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે. વર્ષ 2023ના મુકાબલે 35 ટકા ઘટાડા સાથે 3,60,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા નિર્ણય લીધો છે. કેનડાએ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટના નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. 1લી સપ્ટેમ્બર 2024થી અનુસ્નાતક અભ્યાસક્રમમાં જોડાનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ નહીં મળે.

બ્રિટન : વિઝા નિયંત્રણોની શક્યતા

ભારતીય વિદ્યાર્થીઓ માટે બ્રિટન પણ ઉચ્ચ શિક્ષણ માટે પસંદગીનું સ્થાન રહ્યું છે. ઇમ્પિરિયલ કોલેજ લંડન, ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સહિતની વિશ્વની ટોચની યુનિવર્સિટી બ્રિટનમાં આવેલી છે. હાલમાં તો બ્રિટનની કોઈ નીતિ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પડકારરૂપ નથી. પરંતુ બ્રિટન જો ગ્રેજ્યુએટ રાઉટ વિઝામાં ફેરફાર કરવાનો નિર્ણય લે તો સ્થિતિ બદલાઈ શકે છે.

બ્રિટને વર્ષ 2021માં ગ્રેજ્યુએટ રાઉટ વિઝાનો અમલ શરૂ કર્યો હતો. તેને પગલે ગ્રેજ્યુએશનની પદવી લીધા પછી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશમાં બે વર્ષ ( પીએચ.ડી વિદ્યાર્થીના કિસ્સામાં ત્રણ વર્ષ) રહેવાની છૂટછાટ આપવામાં આવી હતી. આ વિઝા વિદ્યાર્થીઓને ફ્રીલાન્સ, કામ કરવાની, શિક્ષણને આગળ વધારવાની કે સ્કિલ્ડ વર્ક વિઝા માટે અરજી કરવાની મોેકળાશ આપે છે. ભારતના વિદ્યાર્થીઓ આ વિઝોથી લાભાન્વિત થયા છે. વર્ષ 2021થી 2023 દરમિયાન આ પ્રકારના જે વિઝા ઇશ્યૂ થયા તે પૈકીના 42 ટકા વિઝાનો લાભ ભારતીય વિદ્યાર્થીઓએ લીધો છે.

તાજેતરમનાં એવી અટકળો થઈ રહી હતી કે પૂર્વ વડાપ્રધાન ઋષિ સુનક આ વિઝાને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે જ મર્યાદિત કરવા વિચારી રહ્યા હતા. પરંતુ વિરોેધપક્ષોએ તે સામે વિરોધ નોંધાવ્યો હતો. જો તે નવી નીતિનો અમલ થાય તો ભારતીય વિદ્યાર્થી પ્રભાવિત થઈ શકે છે.

ઓસ્ટ્રેલિયા : વિઝા નિયમો કડક થયા

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ઓસ્ટ્રેલિયા પણ પસંદગીનું કેન્દ્ર રહ્યું છે. અહીં પ્રતિષ્ઠિત યુનિવર્સિટી આવેલી છે અને અનુકૂળ વર્કિંગ એન્વાયરમેન્ટ પણ છે. આસ્ટ્રેલિયાએ તાજેતરમાં જ ‘રાઇટ ટુ ડિસ્કનેક્ટ’ જેવો કાયદો અમલી કર્યો. તે કાયદો કર્મચારીને કામના કલાકોને બાદ કરતા સમયમાં કાયદેસર રીતે નોકરી સંબંધી ફોન, ઇ-મેલ સહિતના સંદેશાવ્યવહારથી મુક્ત રહેવાનો અધિકાર આપે છે. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન યુનિ., સિડની યુનિ. અને ન્યૂ સાઉથ વેલ્સ યુનિ. જેવી વિશ્વની ટોચના ક્રમની યુનિવર્સિટી આવેલી છે. પરંતુ અહીં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા મર્યાદિત થતાં વિદ્યાર્થી પડકારોનો સામનો કરી રહ્યા છે. વર્ષ 2025 માટે 2,70,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીને પ્રવેશ આપવા નક્કી થયું છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અહીં મોટી સંખ્યામાં આવતા હોવાથી ઘરભાડા ઊંચા ગયા છે. માળખાકીય સુવિધાઓ સાંકડી થઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના વિદ્યાર્થીઓને પણ નવી કેપ પ્રભાવિત કરી શકે છે. 22 જાન્યુઆરી, 2024 પછી પ્રવેશ ઇચ્છતા વિદ્યાર્થીએ ઇન્ટેટ ઓફ સ્ટડીનો પુરાવો આપવો પડશે. વર્તમાનમાં જે વ્યક્તિ વિઝા ધરાવતા હશે તે ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકશે નહીં. વિઝા પૂરા થતાં હંગામી ગ્રેજ્યુએટે વિઝાધારકે દેશ છોડવો પડશે, પરંતુ જો તેઓ દેશમાં રોકાવા ઇચ્છતા હોય તો નોકરીદાતા દ્વારા સ્પોન્સર થયેલા વિઝા કે પછી કાયમી વસવાટ માટેના વિઝા માટે અરજી કરવાની રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button