ભારત-ચીન વચ્ચે છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી સરહદે તંગ સ્થિતિ સર્જાવાને કારણે દ્વિપક્ષી સંબંધો પણ વણસેલા રહ્યા હતા. જોકે હવે પૂર્વ લદાખમાં દેપસાંગ અને ડેમચોકમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર બંને દેશોના સૈન્ય પાછા ખેંચવાની ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ પૂરી થતાં ભારત-ચીન સંબંધો સુધરવા ભણી અગ્રેસર છે.
બંને દેશોએ સંવેદનશીલ ક્ષેત્રોમાંથી મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ નષ્ટ કર્યા છે. હવે બંને દેશોના સૈન્ય જોઇન્ટ પેટ્રોલિંગ શરૂ કરી શકે છે. ભારત ખાતેના ચીની રાજદૂત જૂ ફેહોંગે બુધવારે પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે બંને દેશોએ પરસ્પર સહમતીથી પ્રશ્નો ઉકેલ્યા છે. પડોશીના નાતે બંને વચ્ચે કેટલાક પ્રશ્નો હશે પણ રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ગયા અઠવાડિયે રશિયાના કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન બેઠક બાદ બંને દેશ દ્વિપક્ષી સંબંધો મજબૂત કરવા પ્રયત્નશીલ છે. અમે જલદી ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ કરીશું. દેપસાંગ અને ડેમચોકમાં સૈન્ય પાછા ખેંચવા અંગે તેમણે કહ્યું કે લોકલ કમાન્ડર સ્તરે મંત્રણા જારી રહેશે.
હાલ દેપસાંગ અને ડેમચોકમાં ડિસએન્ગેજમેન્ટ પ્રોસેસ પૂરી થઇ ગઇ છે. હાલ બંને દેશોના લોકલ મિલિટરી કમાન્ડર રોજ સવારે હોટલાઇન પર ચર્ચા કરે છે. દિવસમાં એક-બે વખત નિર્ધારિત પોઇન્ટ પર રૂબરૂમાં મીટિંગ પણ કરે છે.
ભારત-ચીન સીમા વિવાદ શું છે?
પૂર્વ લદાખમાં એવા 7 પોઇન્ટ છે કે જ્યાં ભારત-ચીન વચ્ચે ઘર્ષણની સ્થિતિ રહે છે. તેમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14 (ગાલવાન), 15 (હોટ સ્પ્રિંગ), 17છ (ગોગરા), પેંગોંગ લૅકનો ઉત્તર અને દક્ષિણ છેડો, દેપસાંગ પ્લેન અને ડેમચોકના ચારડિન નાળાનો સમાવેશ થાય છે. એપ્રિલ, 2020માં ચીને એક લશ્કરી કવાયત બાદ પૂર્વ લદાખના 6 વિસ્તારોમાં અતિક્રમણ કર્યું હતું. 2022 સુધીમાં ચાર વિસ્તારોમાંથી ચીની દળો પાછા ખસ્યા હતા. દૌલત બેગ ઓલ્ડી અને ડેમચોક પર ભારતીય સૈન્યને પેટ્રોલિંગ નહોતું કરવા દેવાતું. એપ્રિલ, 2020 પૂર્વે લશ્કરી કવાયતના નામે ચીને સરહદે હજારો જવાનો ખડક્યા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતે પણ સૈન્ય તહેનાત કર્યું. જૂન, 2020માં ગાલવાનમાં બંને દેશોના જવાનો વચ્ચે હિંસક ઝપાઝપી થઇ હતી, જેમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા.
Source link