SPORTS

Duleep Trophy: મુશીર ખાને રચ્યો ઈતિહાસ, તોડ્યો સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ

દુલીપ ટ્રોફી 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે જેમાં 4 ટીમો ભાગ લઈ રહી છે. દુલીપ ટ્રોફીની પ્રથમ મેચમાં ઈન્ડિયા-એ અને ઈન્ડિયા-બી વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલ, રિષભ પંત, સરફરાઝ ખાન અને વોશિંગ્ટન સુંદર જેવા ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા. ત્યારે મુશીર ખાને એક છેડો સંભાળીને શાનદાર 181 રનની ઈનિંગ રમી હતી. આ સાથે મુશીર ખાને દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં સદી ફટકારીને એક મહાન સિદ્ધિ હાંસલ કરી છે.

દુલીપ ટ્રોફીની ડેબ્યૂમાં જ બનાવ્યો રેકોર્ડ

પ્રથમ દિવસની રમતના અંતે મુશીર ખાન 227 બોલમાં અણનમ 105 રન બનાવીને પરત ફર્યો હતો અને તેની ટીમનો સ્કોર 7 વિકેટે 202 રન હતો. બીજા દિવસની શરૂઆતમાં, મુશીરે ફરી એકવાર ચાર્જ સંભાળ્યો અને નવદીપ સૈની સાથે મળીને 8મી વિકેટ માટે 204 રનની શાનદાર ભાગીદારી કરી. આ દરમિયાન મુશીરે પણ પોતાનો સ્કોર 150થી પાર કર્યો હતો. સરફરાઝનો નાનો ભાઈ ડેબ્યુ મેચમાં બેવડી સદી ફટકારવાની અણી પર હતો ત્યારે કુલદીપ યાદવે તેને આઉટ કર્યો હતો. આ રીતે મુશીરની આ ઐતિહાસિક ઇનિંગ્સનો અંત આવ્યો.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો

ભલે મુશીર તેની દુલીપ ટ્રોફીની ડેબ્યુ મેચમાં બેવડી સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ તેણે સચિન તેંડુલકરના 33 વર્ષ જૂના રેકોર્ડને તેની 181 રનની ઇનિંગથી તોડી નાખ્યો હતો. મુશીરે 373 બોલનો સામનો કર્યો અને તેની ઇનિંગમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા અને તે દુલીપ ટ્રોફીની ડેબ્યૂ મેચમાં ત્રીજો સૌથી વધુ સ્કોરર બન્યો હતો. આ પહેલા આ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો જેણે જાન્યુઆરી 1991માં દુલીપ ટ્રોફીની પોતાની ડેબ્યૂ મેચમાં 159 રન બનાવ્યા હતા. હવે મુશીરે સચિન તેંડુલકરને ચોથા સ્થાને ધકેલી દીધો છે.

આ ખેલાડીઓના નામે રેકોર્ડ

દુલીપ ટ્રોફી ડેબ્યૂ મેચમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બાબા અપરાજિતના નામે છે. બાબાએ 212 રન બનાવ્યા હતા. આ પછી યશ ધુલ બીજા સ્થાને છે. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં 193 રનની ઇનિંગ રમી હતી. આ બે ખેલાડીઓ બાદ હવે મુશીર ખાને આ વિશેષ યાદીમાં ત્રીજા નંબરે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button