આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ અંતર્ગત ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરો તથા 25 જેટલા હેલ્થ એન્ડ વેલ્થ સેન્ટરોની ઓપીડીમાં આવેલા એક હજારથી વધુ લોકોનું ડાયાબિટીસ ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાંથી 12 લોકોમાં ડાયાબિટીસનું નિદાન થયું હતું. આ 12 લોકોને પોતાને ડાયાબિટીસ છે તે બાબતની આજે જાણ થઈ હતી.
મહાપાલિકા વિસ્તારમાં સરકારી આરોગ્ય તંત્રના ચોપડે ડાયાબિટીસના 27,600 દર્દીઓ નોંધાયેલા છે. તેમાં આજે બીજા વધુ 12 લોકોનો ઉમેરો થયો છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા હેલ્થ સેન્ટરોમાં આવેલા તમામ લોકોનું ડાયાબિટીસનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. એક હજારથી પણ વધુ લોકોનું ચેકીંગ કરવામાં આવેલું તેમાં ડાયાબિટીસના 12 નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ તમામ દર્દીઓની સારવાર આજથી જ શરૂ કરી દેવામાં આવી હતી. તેમને ડાયાબિટીસથી બચવાના ઉપાયો તેમજ ડાયાબિટીસક દરમિયાન રાખવાની થતી કાળજી વિષેથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, કોર્પોરેશન દ્વારા ડાયાબિટીસથી પિડાતા બાળકો માટે માસિક રૂ. 1500ની સહાય શરૂ કરવામાં આવી છે. ટાઈપ-1ડાયાબિટીસથી 46 બાળકો પીડાઈ રહ્યા છે. તે પૈકીમાંથી 28 બાળકોને સહાય તરીકે રૂ. 1500 આપવામાં આવી રહ્યા છે. આ સહાયનો ઈન્સ્યુલીન કે અન્ય દવાઓ ખરીદવા માટે ઉપયોગ થઈ શકે. ડાયાબિટીસ એ ધીમુ ઝેર છે. ઉધઈની જેમ શરીરને કોતરી ખાય છે. ડાયાબિટીસનું નિદાન થાય તે સાથે તકેદારી રાખવામાં આવે તો ઘણા અન્ય રોગોથી તથા શારિરીક નુકશાનથી બચી શકાય છે. જ્યારે કોઈ બાળક ડાયાબિટીસથી પીડાતું હોય છે ત્યારે તેના પરિવાર માટે ખૂબ મુશ્કેલીભરી પળો બને છે. રમવાની ઉંમરમાં બાળક ડાયાબિટીસની બિમારીથી ઘેરાઈ જાય તે બાબત માતા-પિતા માટે ખૂબ હેરાનકર્તા બને છે. પરિવાર માટે પણ બાળકની સારવાર આર્થિક રીતે ખર્ચાળ સાબિત થાય છે. આ સ્થિતીએ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા આવા ટાઈપ-1 ડાયાબિટીસથી પીડાતા બાળકોની આર્થિક કારણોસર સારવાર ન અટકે તે માટે થઈને સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. જેમાં દર મહિને બાળકની સારવાર માટે રૂ. 1500 આપવામાં આવે છે. જેમાંથી બાળકની સારવાર શક્ય બની શકે.
Source link