ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા પંચાયત પ્રમુખોની બેઠક મુખ્યમંત્રી સાથે યોજાઈ હતી. જેમાં રજૂઆત કરાઈ હતી કે, એક ગ્રામસભાથી બીજી ગ્રામસભા સુધી સુચવેલા વિકાસના કામો વહીવટી તુમાર કારણે સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકતા નથી.
જેથી બીજી ગ્રામસભામાં ફરી પ્રશ્ન ઉદભવે છે. ત્યારે આવા પ્રશ્નો ન ઉદભવે, ગ્રામસભાને મજબૂત કરવા અને પરચુરણ વિકાસના કામો તાકીદે થાય તે માટે સાંસદ અને ધારાસભ્યની માફક જિલ્લા પંચાયત પ્રમુખોને વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવી જોઈએ. ત્યારે મુખ્યમંત્રીએ હકારાત્મક પ્રતિભાવ આપીને આગામી બજેટમાં જોગવાઈ કરવાની ખાતરી આપી હોવાનું જિલ્લા પંચાયત પરિષદે જણાવ્યું છે.
ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદના મંત્રી ભરત ગાજીપરાએ જણાવ્યું હતું કે, બેઠકમાં રાજ્યભરના જિલ્લા પંચાયત પ્રમુખો વતી અધ્યક્ષ પરેશ દેસાઈએ જિલ્લા પંચાયત પ્રમુખો પાસે વિકાસ અને વહીવટ સંબંધે કામગીરીની કોઈ ફાઈલ આવતી ન હોવાની વાત રજૂ કરી હતી. જિલ્લા પંચાયતમાં વિકાસ અને વહીવટ સંબંધે શું ચાલે તેની માહિતી પ્રમુખ પાસે હોવી જરૂરી હોવાથી ફાઈલો પ્રમુખના ટેબલ પરથી જાય તે જરૂરી છે. પ્રમુખોની રજૂઆતોને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ પણ અધિકારીઓને આ દિશામાં કામગીરી કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત બેઠકમાં ગ્રામ પંચાયતમાં સોલર રૂફટોપ આપવા, પ્રાથમિક શાળાઓમાં વીજળીના સિંગલ ફેઝની જગ્યાએ થ્રી ફેઈઝ જોડાણ લેવાના ખર્ચ જિલ્લા પંચાયત પ્રાથમિક સમિતિના સ્થાને રાજ્ય સરકાર ઉઠાવે તેવી પણ રજૂઆત કરાઈ હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ જિલ્લાના સમગ્ર વહીવટથી માહિતગાર રહે તે માટે ગુજરાત પ્રદેશ પંચાયત તરફથી સૂચન કર્યું હતું કે, જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં પંચાયતની તમામ સમિતિના ચેરમેન, પદાધિકારી તથા અધિકારીઓ સાથે પ્રત્યેક મહિને કેબીનેટ બેઠક કે સંકલન સમિતિ જેવી મિટિંગ મળવી જોઈએ. જેને પગલે ગ્રામીણ ગુજરાતમાં વિકાસના કામોને વેગ મળશે, કામની ગુણવત્તા, આરોગ્ય સુવિધા, પ્રાથમિક શિક્ષણ જેવી પાયાની સુવિધાની સેવાઓ વધુ સારી બનશે. સૂચનને સ્વિકાર્યું હતું, જેને પગલે પંચાયત મંત્રી આગામી સમયમાં રાજ્યની તમામ જિલ્લા પંચાયતનો પ્રવાસ કરીને આવી બેઠકના શ્રીગણેશ કરાવાના હોવાની જાહેરાત પંચાયત પરિષદે કરી છે.
Source link