GUJARAT

Gandhinagar: વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને સરકાર પગાર ચૂકવતી નહીં હોવાનું મંત્રીનુંરટણ

  • બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા
  • બનાસકાંઠા-પાટણના 20 શિક્ષકો પૈકી 6 બરતરફ : જિલ્લાના 10 શિક્ષકોની હકાલપટ્ટી
  • વિદેશમાં જતા શિક્ષકો 3 મહિનાની રજા મૂકીને જાય છે

ગુજરાતમાં વિદેશોમાં રહીને પગારખાતા શિક્ષકોનો મુદ્દો બુધવારે વિધાનસભાના ટૂંકા સત્રના પ્રથમ દિવસે ભારે ચગ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોએ એવા આક્ષેપોનો મારો ચલાવ્યો હતો કે, એક તરફ રાજ્યમાં સરકારી પ્રાથમિક શિક્ષકોની મોટાપાયે ઘટને કારણે શિક્ષણ ખાડે ગયું છે,

એક ઓરડામાં દોઢસો-બસ્સો વિદ્યાર્થીઓ એક સાથે બેસાડી એક જ શિક્ષક દ્વારા ચલાવાતી સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો ગાયબ રહે છે, તો બીજી તરફ મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશોમાં રહી પગાર મેળવી લીલાલહેર કરે છે. આ આક્ષેપોના સંદર્ભમાં શિક્ષક વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. કુંબેર ડિંડોરે વારંવાર એવો ચીપિયો પછાડયો હતો કે, વિદેશોમાં રહેતા એક પણ શિક્ષકને પગાર ચૂકવાયો નથી.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓના ગેરહાજર શિક્ષકો અંગેના ઉત્તરમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષકોમાં બનાસકાંઠા જિલ્લાના 12, પાટણ જિલ્લાના 7 અને આ બે જિલ્લામાંથી ઉચ્ચતર માધ્યમિકના 1 મળીને કુલ 20 શિક્ષકો વિદેશમાં રહે છે, આ પૈકી બનાસકાંઠાના 6 શિક્ષકો બરતરફ કરાયા છે, 2 શિક્ષકોના રાજીનામા મંજૂર કરાયા છે અને 4 શિક્ષકોને નોટિસ આપી એમની સાથે શિક્ષાત્મક કાર્યવાહી માટે લીગલ અભિપ્રાય લેવાઈ રહ્યો છે, જ્યારે પાટણ જિલ્લાના જે 7 શિક્ષકો વિદેશોમાં રહે છે તેઓ એનઓસી મેળવીને વિદેશોમાં ગયા છે, એમની રજા પૂરી થયેલી કાર્યવાહી કરાશે, વિદેશમાં જતા શિક્ષકો 3 મહિનાની રજા મૂકીને જાય છે એટલે 90 દિવસ પૂરા ના થાય ત્યાં સુધી આપણે એમની સામે કાર્યવાહી કરી શકતા નથી, એવી લાચારી મંત્રીએ બતાવી હતી.

એમણે કહ્યું કે, 2019થી 2022 સુધીના સમયગાળામાં બિનઅધિકૃત રીતે સતત ગેરહાજર રહેતા 134 શિક્ષકોને ફરજમાંથી બરતરફ કરાયા છે, જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં તથા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં છેલ્લા બે વર્ષ યાને 2023-24 અને 2024-25માં ત્રણ માસ કરતાં વધુ સમયથી ગેરહાજર રહેતા 70 શિક્ષકો તથા આ સમિતિઓના વિદેશોમાં રહેતા 60 શિક્ષકો મળીને કુલ 130 શિક્ષકો પૈકી 4 જિલ્લા સમિતિઓના અને 1 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મળીને કુલ 10 શિક્ષકો બરતરફ કરાયા છે, બાકીના શિક્ષકો સામે પણ નિયમાનુસાર કાર્યવાહી થશે. દાંતા તાલુકાની એક પ્રાથમિક શાળાના શિક્ષક ભાવના પટેલ જેઓ શાળામાં સતત ગેરહાજર રહી વિદેશમાં વસે છે, તેમને નોટિસ અપાઈ હોવાનું પણ મંત્રીએ જણાવ્યું હતું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button