NATIONAL

દેશભરના સરકારી-ખાનગી ડૉક્ટરોની હડતાળ

  • ઓપીડી બંધ રહેતા લાખો દર્દીઓ સારવાર વિના ટળવળતા રહ્યા, હજારો ઓપરેશનો રદ
  • દેશભરનાં 10 લાખથી વધુ તબીબો અને નર્સો દેશવ્યાપી હડતાળમાં જોડાયા,
  • સરકારે હેલ્થ વર્કર્સની સુરક્ષા માટે કાયદો ઘડવા સમિતિ રચવાની ખાતરી આપી,

કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં મહિલા ટ્રેઈની ડૉક્ટરની રેપ પછી ઘાતકી હત્યા કરવાના મામલે આખા દેશમાં રોષ ભભૂકી ઊઠયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસીએશન (IMA) દ્વારા ઘટનાનાં વિરોધમાં 24 કલાક દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું.

આને કારણે શનિવાર સવારથી જ દેશભરમાં IMAનાં સરકારી તેમજ ખાનગી ડૉક્ટરો સહિત આશરે 10 લાખથી વધુ ડૉક્ટરો તેમજ નર્સો હડતાળ પર ઉતરી ગયા હતા. IMAનાં 3.30 લાખથી વધુ ડૉક્ટરો હડતાળમાં જોડાયા હતા. શનિવારે દેશનાં તમામ મોટા શહેરો અને નાના નગરોમાં હોસ્પિટલો અને દવાખાના બંધ રહેતા આરોગ્ય સેવાઓ ઠપ થઈ ગઈ હતી. ઓપીડી સેવાઓ પણ બંધ રહેતા લાખો દર્દીઓ સારવાર વિના ટળવળતાં હતાં. રોષે ભરાયેલા ડૉક્ટરો અને નર્સોએ દેશભરમાં ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા. હોસ્પિટલોમાં ફક્ત ઓપીડી સેવાઓ જ ચાલુ રહી હતી. હોસ્પિટલોમાં જ ફક્ત ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી. હજારો ઓપરેશનો રદ કરાયા હતા. કેરળ, ઝારખંડ, નાગાલેન્ડ, આસામ સહિત ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં પણ હડતાળની તીવ્ર અસર જોવા મળી હતી. કોલકાતામાં ડૉક્ટરો અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ રેલી કાઢવામાં આવી હતી.

હેલ્થ વર્કર્સની સુરક્ષા માટે કાયદો ઘડવા સરકાર સમિતિ રચશે

ડૉક્ટરો અને નર્સોની દેશભરમાં હડતાળ પછી ડૉક્ટરો તેમજ નર્સો અને તમામ હેલ્થ વર્કર્સની સુરક્ષા માટે કાયદો ઘડવા સરકારે તબીબોને ખાતરી આપી હતી. સરકારે સૌને ફરજ પર હાજર થવા અને આરોગ્ય સેવાઓ શરૂ કરવા અપીલ કરી હતી. નવી દિલ્હીમાં કેન્દ્રનાં આરોગ્ય અને પરિવાર ક્લ્યાણ મંત્રાલયની IMAનાં આગેવાનોએ મુલાકાત લીધી હતી અને અધિકારીઓને મળીને તબીબો અને નર્સોની સુરક્ષા માટે કાયદો ઘડવા માંગણી કરી હતી. સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે તેવી સ્પષ્ટતા કરી હતી. કાયદો ઘડવા માટે સૂચનો તેમજ અભિપ્રાયો મેળવવા સરકાર દ્વારા સમિતિ રચવાની ખાતરી અપાઈ હતી. ડૉક્ટરોને હડતાળ ખતમ કરીને ફરજ પર હાજર થવા અને આરોગ્ય સેવાઓ શરૂ કરવા સરકારે અપીલ કરી હતી. રાજ્ય સરકારો પાસેથી આ મુદ્દે અભિપ્રાયો મેળવવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી.

મેડિકલ કોલેજનાં પૂર્વ પ્રિન્સિપાલની સીબીઆઈ દ્વારા ફરી પૂછપરછ

સીબીઆઈ દ્વારા પકડવામાં આવેલા આરજી કર મેડિકલ કોલેજનાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની શનિવારે ફરી ઘનિષ્ઠ પુછપરછ કરવામાં આવી હતી. અધિકારીઓએ મહિલા ડૉક્ટરની હત્યા પછી તેમનાં પહેલા પ્રત્યાઘાત કેવા હતા તે અંગે સંદીપ ઘોષને પૂછયું હતું. મૃતકનાં પરિવારને કોણે જાણ કરી તેમજ પોલીસનો કેવી રીતે સંપર્ક કર્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી હતી. કોલેજના અન્ય ઈન્ટર્ન ડોક્ટર પણ શંકાના દાયરામાં છે. મૃતકના પરિવારજનોએ આ અંગે સીબીઆઈને જાણ કરી દીધી છે. આ દિશામાં તપાસ ચાલુ છે.

રેપ અને હત્યા અંગે પ્રશ્નો પુછનાર 42 લોકોની ટ્રાન્સફર કરાઈ

મમતા સરકાર દ્વારા મહિલા ડૉક્ટર પર રેપ કરીને તેની હત્યા કરવાનાં મામલે પુછપરછ કરનાર 42 ડૉક્ટરો તેમજ પ્રોફેસર્સની ટ્રાન્સફર કરવામાં આવી હતી. જે પ્રોફેસર્સ તેમજ ડૉકટર્સોેએ આ કેસમાં સરકારી કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા તેમણે ટ્રાન્સફરનાં સ્વરૂપમાં તેની કિંમત ચૂકવવી પડી હતી. પ્રદર્શનકારીઓએ આ પ્રકારની ટ્રાન્સફર એક કાવતરું હોવાના આક્ષેપો કર્યા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button