GUJARAT

Patan: ભારે વરસાદે ખેડૂતોના હાલ કર્યા બેહાલ, સરકાર પાસે સહાયની માગ

પાટણ જિલ્લામાં સતત પડી રહેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે, જ્યાં જુઓ ત્યાં ખેતરો જળમગ્ન થઈ જવા પામ્યા છે, તમામ પાકો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે અને ખેડૂતોનો તમામ ખર્ચ અને મહેનત આફત રૂપિ વરસાદને કારણે નિષ્ફળ જવા પામી છે.

જિલ્લામાં 46% વરસાદ માત્ર 15 દિવસમાં વરસ્યો

ત્યારે ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરી જમીન ધોવાણ અને પાક નુકસાન સહાય આપવા માગ કરી રહ્યા છે, પાટણ જિલ્લામાં ઓગસ્ટના અંત અને ભાદરવાની શરૂઆતથી જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે, ત્યારે છેલ્લા 15 દિવસની જો વાત કરીએ તો જિલ્લામાં 46% વરસાદ માત્ર 15 દિવસમાં વરસ્યો છે. જેને કારણે મોટાભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

સમી તાલુકામાં અત્યાર સુધી સીઝનનો 21 ઈંચ વરસાદ નોંધાયો

અવિરત વરસાદને કારણે સ્થળ ત્યાં જળ જોવા મળી રહ્યું છે, ત્યારે વઢિયાર પંથકના સમી તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે, સમી તાલુકામાં અત્યાર સુધી સીઝનનો 21 ઈંચ વરસાદ નોંધાયો છે અને તાલુકામાં ખેડૂતોએ ઘણી આશાઓ સાથે 49,150 હેકટર વિસ્તારમાં વિવિધ પાકોનું ચોમાસુ વાવેતર કર્યું છે, પરંતુ વરસાદી કહેરના કારણે તમામ પાકો હાલની સ્થિતિએ પાણી ડૂબી ગયા છે, ડૂબેલા પાક જોઈ જાણે વરસાદી પાણીમાં ખેડૂતોની તમામ મહેનત પાણીમાં ડૂબતી હોય તેવા હ્નદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે અને ખેડૂતો હવે સરકાર પાસે સહાયની ગુહાર કરી રહ્યા છે.

પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે ગયા

સમી તાલુકામાં 49 હજાર હેકટરમાં દિવેલા, કપાસ, અડદ, મગફળી, કપાસ ઘાસચારો સહીત કઠોળના વિવિધ પાકોનું વાવેતર થવા પામ્યું છે, ખેડૂતોએ ઘણી આશાઓ સાથે મોંઘા ભાવના બિયારણ, ખેડ, ખાતર કરી પાકની માવજત કરી, પરંતુ આકાશી આફતને કારણે પાક નુકસાની થતાં ખેડૂતોના તમામ ખર્ચ એળે જવા પામ્યા છે અને ખેડૂતો ક્યાંક મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે.

જમીન ધોવાણનો પણ સર્વે કરવામાં આવે તેવી ખેડૂતોની માગ

ખેડૂતો જણાવી રહ્યા છે ઘણી આશાઓ સાથે વિવિધ પાકોનું મોટા ખર્ચ કરી વાવેતર કર્યું હતું કે સીઝન સારી જશે તો આવનારા તહેવાર સારા જશે, પરંતુ વરસાદી પાણીમાં પાક ડૂબી જતા ખેડૂતોની તમામ આશાઓ પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. ત્યારે ખેડૂતો નિષ્ફળ પાક હાથમાં લઈ સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે કે ના માત્ર પાક નુકસાન, પરંતુ જમીન ધોવાણનો પણ સર્વે કરવામાં આવે અને યોગ્ય સહાય ચુકવવા આવે તેવી માગ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button