GUJARAT

GMCના કૃત્રિમ કુંડમાં અત્યાર સુધીમાં ગણેશજીની 900 મૂર્તિઓનું વિસર્જન

મહાપાલિકા વિસ્તારમાં ઠેરઠેર ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. હવે ગણેશજીની વિદાય આપવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે. અત્યારસુધીમાં કોર્પોરેશને તૈયાર કરેલા કૃત્રિમ કુંડોમાં ગણેશજીની 928 જેટલી મુર્તિઓનું વિસર્જન લોકો દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 554 જેટલી ઈકો ફ્રેન્ડલી એટલેકે માટીની અને 374 જેટલી પીઓપી મુર્તિઓનો સમાવેશ થાય છે. ઈન્દ્રોડા, ધોળેશ્વર અને કોટેશ્વર ખાતે મુર્તિઓના વિસર્જન માટે લોકોનો મોટો ધસારો રહેતો હોવાનું માલુમ પડે છે.

કોર્પોરેશન દ્વારા આઠેક સ્થળોએ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવ્યા છે. આમ તો, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ઈકો ફ્રેન્ડલી માટીની મુર્તિઓનું સ્થાપન કરવા માટે અપીલ કરી હતી. છતાં ઘણા ભક્તો હજુ પણ ગણેશજીની પીઓપીની મુર્તિઓ લાવ્યા હોવાનું સામે આવ્યું છે. અલબત્ત 300થી પણ વધુ પીઓપીની મુર્તિઓ નદી-તળાવ- કેનાલ જેવા જાહેર જળસ્ત્રોતના બદલે મ્યુનિ તંત્રએ ઉભા કરેલા કૃત્રિમ કુંડમાં વિસર્જન લોકોએ કર્યું છે, તે ઉત્તમ બાબત છે. અન્યથા આ પીઓપીની મુર્તિઓએ જાહેર જળસ્ત્રોતને દુષિત કર્યું હોત. કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવના આયોજકોને ક્યુઆર કોડ થકી ઓનલાઈન રજીસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. પરંતુ તેમાં વિસર્જન અને રજીસ્ટ્રેશનના આંકડામાં મોટો તફાવત છે. અત્યારસુધીમાં 105 પંડાલનું જ રજીસ્ટ્રેશન થવા પામ્યું છે, જ્યારે 900થી પણ વધુ મુર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે.

કોર્પોરેશન દ્વારા ગણેશજીની મુર્તિઓનું વિસર્જન કરવા માટે સુખડેશ્વર મહાદેવ, પેથાપુર, સેક્ટર-30 સાબરમતી નદી બ્રિજ પાસે, ધોળેશ્વર મહાદેવ, સંત સરોવર, ઈન્દ્રોડા, કોટેશ્વર મહાદેવ, ભાટ ટોલ પ્લાઝા ખાતે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. લોકો ઈન્દ્રોડા, ધોળેશ્વર મંદિર તથા કોટેશ્વર મહાદેવ ખાતે સૌથી વધુ ગણેશની મુર્તિઓનું વિસર્જન કરવાનું પસંદ કરતા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારસુધીમાં ઈન્દ્રોડાના કુંડમાં 350 મુર્તિઓનું વિસર્જન કરાયું.

તેમાં 159 જેટલી માટીની અને 144 જેટલી પીઓપીની મુર્તિઓનો સમાવેશ થાય છે. ધોળેશ્વર ખાતે 227 મુર્તિઓનું વિસર્જન કરાયું તેમાંપણ માટીની 80 જેટલી અને 112 જેટલી પીઓપની મુર્તિઓ હોવાની વિગતો છે. કોટેશ્વર મહાદેવ ખાતે 274 મુર્તિઓનું વિસર્જન કરાયું તેમાં સૌથી વધુ 233 જેટલી માટીની મુર્તિઓ અને 61 જેટલી પીઓપીની મુર્તિઓનું વિસર્જન લોકો દ્વારા કરાયું છે. સેક્ટર-30 સાબરમતી નદીના બ્રીજ નીચે 42 મુર્તિઓનું વિસર્જન કરાયું તેમાં માટીની 34 અને પીઓપીની 8 મુર્તિઓ છે. પેથાપુરના કુંડમાં કુલ 54 મુર્તિઓને વિદાય આપવામાં આવી તેમાં 17 જેટલી માટીની અને 37 જેટલી પીઓપીની મુર્તિઓને અગલે વર્ષ જલદી આવવાના વચન સાથે ભાવભીની વિદાય લોકોએ આપી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button