GUJARAT

Ahmedabad :નવી CPઓફિસ સાથે શરૂ કરવાના ચક્કરમાં નવા બે-પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન લટક્યું

  • નવું બિલ્ડિંગ તૈયાર છતાં બે પોલીસ સ્ટેશન સાંકડી જગ્યામાં ચલાવવા પોલીસ મજબૂર
  • ગુજરાત યુનિ. અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન કયારે શરૂ થશે તે મુદ્દે IPS અધિકારીઓ પણ અજાણ
  • સ્વતંત્રતા પર્વના દિવસે આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન હતું

નવી પોલીસ કમિશનર ઓફિસ સાથે ગુજરાત યુનિવર્સિટી અને કાગડાપીઠ પોલીસ સ્ટેશન શરૂ કરવાના ચક્કરમાં નવું બિલ્ડિંગ છેલ્લા એક વર્ષથી ધૂળ ખાઈ રહ્યું છે. બંને પોલીસ સ્ટેશનના નવા બિલ્ડિંગ તૈયાર થયાને એક વર્ષ જેટલો સમય થયો છે. નવું બિલ્ડિંગ તૈયાર હોવા છતાં બંને પોલીસ સ્ટેશન સાંકડી જગ્યામાં ચલાવવા પોલીસ મજબૂર બની છે.

આઈપીએસ અધિકારી પણ નવી સીપી ઓફિસ અને બંને પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કયારે થશે ? તે મુદ્દે અજાણ છે. સ્વતંત્રતા પર્વના દિવસે આ ઉદ્ઘાટન સમારોહનું આયોજન હતું પણ કોઈક કારણસર રદ કરાયું છે. જેના પગલે નવા બિલ્ડિંગમાં કામ કરવાની પોલીસની આશા પર હાલ પુરતું પાણી ફરી વળ્યું છે.

ગુજરાત યુનિવર્સિટી તરફથી ફાળવવામાં આવેલા બંગલોમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક વર્ષોથી યુનિવર્સિટી દ્વારા આ જગ્યા ખાલી કરી દેવા અને મકાનનો કબ્જો સોંપી દેવા માટે પોલીસને લેખિત જાણ કરાઈ છે. જેના પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનું નવું બિલ્ડિંગ ગુલબાઈ ટેકરા પાસે આવેલી સરકારી જગ્યામાં તૈયાર થયું હતું. આ બિલ્ડિંગ તૈયાર થયાને એક વર્ષ જેટલો સમય થઈ ગયો પણ આજે પણ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન જૂની જગ્યાએ ચાલી રહ્યું છે. આવી જ સ્થિતિ કાગડાપીઠ પોલીસ સ્ટેશનની છે. જુનું બિલ્ડિંગ તોડીને નવું કાગડાપીઠ પોલીસ સ્ટેશન તૈયાર કર્યાને એક વર્ષથી વધુ સમય થયો હતો. આ બિલ્ડીંગ તૈયાર થયા બાદ તેના પ્લાન મામલે વાંધો ઉઠાવવામાં આવ્યો તેમજ ફર્નિચરની માંગણી કરવામાં આવી હતી. આ તમામ માંગણીઓ પુરી થઈ ગયાને પણ છ મહિના જેટલા સમય થઈ ગયો છે છતાં પણ નવા બિલ્ડિંગમાં પોલીસ સ્ટેશન શરૂ થયું નથી. આ બંને પોલીસ સ્ટેશન શરૂ ના થવા પાછળ ઉદ્ઘાટનની તારીખ કારણભૂત હોવાનું સૂત્રો જણાવે છે. ઉદ્ઘાટન કરવાનો સમય મળતો નથી તેના ચક્કરમાં નવા પોલીસ સ્ટેશન શરૂ થયા નથી. બીજી તરફ પોલીસ અધિકારીઓ નવી પોલીસ કમિશનર ઓફિસ સાથે બંને પોલીસ સ્ટેશન શરૂ કરવાના આયોજનની વાત કરી રહ્યા છે.

 જો કે, નવી પોલીસ કમિશનર કચેરી તૈયાર થઈ ગયાને પણ સમય થઈ ગયો છે. ફર્નિચરનો પ્રશ્ન ઓફિસ શરૂ થયા બાદ સોલ્વ કરી શકાય તેમ હોવા છતાં કોઈને કોઈ કારણ કાઢી ઉદ્ઘાટનની તારીખ લંબાવવામાં આવી રહી છે. આ અંગે સિનિયર આઈપીએસએ નામ ના આપવાની શરતે જણાવ્યું કે, નવી પોલીસ કમિશનર ઓફિસ સાથે બંને પોલીસ સ્ટેશન શરૂ કરવાની યોજના છે. જો કે, આ અંગે હજુ સુધી કોઈ તારીખ નક્કી નથી થઈ કે અમને ઉપરથી કોઈ આદેશ મળ્યો નથી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવી પોલીસ કમિશનર કચેરી અને બંને પોલીસ સ્ટેશન સ્વતંત્રતા પર્વના દિવસે શરૂ કરવાની યોજના પણ હાલ પુરતી પડી ભાંગી છે. આમ, નવા બિલ્ડિંગ તૈયાર હોવા છતાં પણ પોલીસ સ્ટેશન સાંકડી જગ્યામાં ચલાવવા પડે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button