GUJARAT

Kutch: શંકાસ્પદ તાવના રોગચાળાથી હાહાકાર,આઈસોલેશન વોર્ડ ઉભા કરાયા

કચ્છમાં શંકાસ્પદ તાવના રોગચાળાથી હાહાકાર મચી ગયો છે. લખપત, અબડાસા તાલુકામાં આઈસોલેશન વોર્ડ પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. માતાના મઢમાં 30 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે અને નલિયામાં ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં 25 પથારીની વ્યવસ્થા કરવામાં આવી છે .
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી
તમને જણાવી દઈએ કે આજે આરોગ્ય સચિવ હર્ષદ પટેલ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કચ્છના લખપત અને અબડાસા તાલુકાના શંકાસ્પદ તાવના કેસની ઉભી થયેલી સ્થિતિને લઈને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં બે તાલુકામાં જોવા મળેલા શંકાસ્પદ તાવના કેસોને વિશે વિગતો મેળવી સમીક્ષા કરી હતી.
ડોર ટુ ડોર સર્વેની કામગીરી
તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં તાવ, શરદી, ઉધરસ જેવા લક્ષણો કોઈનામાં જોવા મળે તો તરત જ સેમ્પલ લઈને દર્દીને નજીકની મેડિકલ ફેસિલિટિઝમાં દાખલ કરવા સૂચના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરી નાગરિકોનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે.
16 જેટલા દર્દીઓના મોત થયા
તાવ, શરદી, ઉધરસ, સ્નાયુઓમાં દુઃખાવો કે શરીરમાં નબળાઈ લાગે તો નજીકની સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને સારવાર લેવા નાગરિકોને અપીલ કરાઈ છે. અબડાસા અને લખપત તાલુકામાં 16 દર્દીઓના મોત થયા છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.
રાજકોટ બાદ પૂણેની લેબમાં સેમ્પલ મોકલાયા
ઉલ્લેખનીય છે કે લખપતમાં આ ભેદી બીમારીથી 16 લોકોના મોત નોંધાયા છે. ગઈકાલે ભારાવાંઢ ગામે બે દર્દીઓના મોત થયા હતા અને રોગનું સચોટ કારણ જાણી શકાયું નથી. રાજકોટ બાદ પૂણેની લેબમાં સેમ્પલ મોકલાયા છે અને ગઈકાલે જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લખપતની મુલાકાત લીધી હતી અને પ્રભારી મંત્રી પ્રફૂલ પાનસેરિયા પણ સાથે હાજર રહ્યા હતા. ભૂજ સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે કચ્છ સહિત રાજ્યના તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યા બાદ રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગ અને ડોક્ટરો લોકોને સાવચેતી રાખવા અને ઉકાળેલુ પાણી જ પીવા માટે અપીલ કરી રહ્યા છે. 

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button