મકર સંક્રાંતિનો તહેવાર હોય અને ઘરમાં મીઠાઈ ન બને, એવું તો શક્ય જ નથી. શિયાળાની આ ઋતુમાં તલ અને ગોળ ખાવાનો પોતાનો જ આનંદ હોય છે. સામાન્ય રીતે આપણે ચોખાની ખીર ખાંડ નાખીને બનાવીએ છીએ, પરંતુ આ વખતે 14 જાન્યુઆરીએ પરંપરા સાથે ટ્રાય કરો આ નવી રેસીપી. જાણો ગોળની સ્વાદિષ્ટ ખીર બનાવવાની સરળ રીત.
આ રીતે બનાવો ગોળની ખીર
ગોળની તાસીર ગરમ હોય છે, જે શિયાળામાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે અને સ્વાદ એવો કે બધા આંગળીઓ ચાટતા રહી જશે. જોકે, ઘણી વાર લોકોને ફરિયાદ રહે છે કે, ગોળ નાખતા જ દૂધ ફાટી જાય છે. એવી સ્થિતિમાં ડરવાની જરૂર નથી, કારણ કે નીચે આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ રેસીપીથી તમારી ખીર એકદમ ઘટ્ટ અને મલાઈદાર બનશે.
ગોળની ખીર બનાવવા માટેની સામગ્રી
- ચોખા: અડધો કપ (બાસમતીના તૂટેલા અથવા નાના દાણા, 30 મિનિટ પાણીમાં ભીંજવેલા)
- દૂધ: 1.5 લીટર (ફુલ ક્રીમ)
- ગોળ : ત્રણ ચતુર્થાંશ કપ (ઝીણો છીંણેલો )
- ઘી: 1 મોટી ચમચી
- ડ્રાયફ્રુટ : કાજુ, બદામ, કિસમિસ (કટ કરેલા)
- ઈલાયચી પાઉડર: અડધો નાનો ચમચો
ગોળની ખીર બનાવવાની રીત
- સૌપ્રથમ એક જાડા વાસણ અથવા કડાઈમાં 1 ચમચો ઘી ગરમ કરો. હવે તેમાં ભીંજવેલા ચોખા (પાણી કાઢીને) નાખો અને ધીમી આંચ પર 2-3 મિનિટ સુધી શેકો. ઘીમાં શેકવાથી ખીરનો સ્વાદ અને સુગંધ બંને વધે છે.
- હવે એ જ વાસણમાં દૂધ ઉમેરો અને ઉકળવા દો. જ્યારે દૂધ ઉકળવા લાગે, ત્યારે આંચ મધ્યમ કરી દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો જેથી દૂધ વાસણના તળિયે ચોંટે નહીં. ચોખા દૂધમાં ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે નરમ ન થઈ જાય અને દૂધ ઘટ્ટ થવા ન લાગે.
- જ્યારે ખીર ઘટ્ટ અને મલાઈદાર થઈ જાય (લગભગ 20-25 મિનિટ પછી), ત્યારે તેમાં ઈલાયચી પાઉડર અને તમારી પસંદના કાપેલા ડ્રાયફ્રુટ ઉમેરો. સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.
- હવે આવે છે સૌથી મહત્વનો સ્ટેપ, એટલે કે ગોળ ઉમેરવાનો. હા, આ જ એ સ્ટેપ છે જ્યાં ઘણીવાર ભૂલ થઈ જાય છે. ગેસ બંધ કર્યા પછી ખીરને 4-5 મિનિટ માટે થોડું ઠંડું થવા દો. ઉકળતા દૂધમાં ગોળ નાખવાથી ખીર ફાટી શકે છે.
- જ્યારે ખીરનું તાપમાન થોડું ઓછું થઈ જાય, ત્યારે તેમાં ગોળ ઉમેરો અને ધીમે-ધીમે હલાવો. ગોળ પોતાની ગરમીથી જ ઓગળી જશે અને ખીરને સુંદર સુવર્ણ રંગ આપી દેશે.
- તૈયાર છે તમારી ગરમાગરમ અને પૌષ્ટિક ‘ગોળ ની ખીર’. તેને માટીના કુલ્હડ અથવા વાટકીમાં કાઢો અને ઉપરથી થોડા વધુ બદામ-પિસ્તા નાખીને સજાવો. મકર સંક્રાંતિની સવારે અથવા બપોરના ભોજન પછી તેને પીરસો.


Leave a Comment