- અમદાવાદના SG હાઈવે પર સ્ટંટ કરતા નબીરાઓની પોલીસે ધરપકડ કરી
- બે આરોપીની અગાઉ ક્રાઈમબ્રાન્ચે કરી હતી ધરપકડ
- ટ્રાફિક પોલીસે નબીરાઓ સામે કાર્યવાહી હાથ ધરી
અમદાવાદમાં સ્ટંટ કરનારા નબીરોઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઈવે પર સ્ટંટ કરનારા નબીરાઓ હવે પોલીસના સકંજામાં આવ્યા છે. આ નબીરાઓએ મોંઘીદાટ ગાડીઓમાં બેસીને શહેરના રોડ પર સ્ટંટ કર્યા હતા.
ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી, કાર્યવાહી શરૂ કરી
આ તમામ નબીરાઓ મોંઘીદાટ ગાડીઓમાં આવીને એસ.જી.રોડ સ્ટંટબાજી કરતા હતા અને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકતા હતા. ત્યારે આ મામલે ક્રાઈમબ્રાન્ચે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને હવે ટ્રાફિક પોલીસે વધુ 4 નબીરાઓની ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સ્ટંટબાજી કરતો આ નબીરાઓનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, ત્યારે આ તમામને લઈ ટ્રાફિક પોલીસે નબીરાઓની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે.
શહેરના SG હાઈવે અને વૈષ્ણોદેવી પાસે 8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવ્યો હતો
તમને જણાવી દઈએ કે શહેરના SG હાઈવે અને વૈષ્ણોદેવી પાસે 8થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં સમગ્ર રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુર ઝડપે ચલાવી રહ્યા હતા. આટલું જ નહીં નબીરાઓને પોલીસનો અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા હતા અને આ વીડિયો વાયરલ થતાં ટ્રાફ્કિ પોલીસે તપાસ શરૂ કરી હતી.
અગાઉ ગાંધીનગરમાં નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગાંધીનગરમાં નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરી હતી, ત્યારે આવો જ એક વીડિયો અમદાવાદમાં વાયરલ થતાંની સાથે જ લોકોમાં ચર્ચાનું કારણ બની ગયો હતો. છાશવારે રોંગ સાઈડ, હેલમેટ નહીં પહેરવાના, બ્લેક ફિલ્મો વાળી કારને રોકીને દંડ કરવા વાળી ટ્રાફિક પોલીસ આવા નબીરાઓ સામે મૂકપ્રેક્ષક બની હતી.
Source link