GUJARAT

ગુજરાતમાં 3.02 લાખથી વધુ સ્વ-સહાય જૂથ કાર્યરત, 30 લાખ મહિલાઓ સ્વાવલંબી બની

એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી કે, ગુજરાતની મહિલાઓ દરેક ક્ષેત્રે પુરુષો સાથે ખભે-ખભો મિલાવીને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહી છે. શહેરોમાં શિક્ષિત મહિલાઓ નોકરી અને વિવિધ વ્યવસાયો સાથે સંકળાઈને સ્વનિર્ભર બની છે.

મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનું શુભ કામ ગુજરાત સરકારે કરી બતાવ્યું

જ્યારે, ગામડાઓમાં વસતી મહિલાઓ ખેતી-પશુપાલન જેવા વ્યવસાયો સાથે જોડાઈને સ્વાવલંબી બની છે. તેમ છતાં, ગામડાની કેટલીક ગરીબ મહિલાઓનો એક વર્ગ આત્મનિર્ભર બનવા પ્રયાસરત હતો. આવી મહિલાઓને આત્મનિર્ભરતા તરફ દોરી જવાનું શુભ કામ ગુજરાત સરકારે કરી બતાવ્યું છે. ગામડાની ગરીબ અને મહત્વકાંક્ષી મહિલાઓને સંગઠિત થઈને સ્વ-સહાય જૂથ એટલે કે, સખી મંડળની સ્થાપના કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેરણા આપી હતી.

ગુજરાતમાં અનેક સ્વ-સહાય જૂથો કાર્યરત

આવા સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપીને સખી મંડળો સાથે જોડાયેલી મહિલાઓને પગભેર કરવાનો દેશમાં આ નવો પ્રયાસ ગુજરાત સરકારે કર્યો હતો. સખી મંડળોને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી.ની સ્થાપના કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને સંગઠિત કરીને કૌશલ્ય તાલીમ આપી આજીવિકાઓ સાથે જોડાણ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ અત્યારે ગુજરાતમાં અનેક સ્વ-સહાય જૂથો કાર્યરત થઈ રહ્યા છે.

ગામડામાં વસવાટ કરતી ગરીબ કુટુંબની ઓછામાં ઓછી 10 મહિલાઓ સંગઠિત થઈને સ્વ-સહાય જૂથની રચના કરી શકે છે. ગુજરાતમાં અત્યારે 30 લાખથી વધુ ગરીબ કુટુંબની મહિલાઓએ 3.02 લાખથી વધુ સ્વ-સહાય જૂથની રચના કરીને આર્થિક ઉન્નતિનો નવો ઈતિહાસ લખ્યો છે. સખી મંડળ કાર્યરત થયાને ત્રણ મહિના પૂર્ણ થતા રાજ્ય સરકાર દ્વારા સખી મંડળને રિવોલ્વિંગ ફંડ તરીકે રૂપિયા 20,000થી 30,000 તેમજ 6 મહિના પૂર્ણ થતા કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ તરીકે રૂપિયા 1,50,000નું ભંડોળ આપવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 2,00,297 સ્વ-સહાય જૂથોને રૂપિયા 182,15 કરોડ રિવોલ્વિંગ ફંડ તેમજ 1,28,828 સ્વ-સહાય જૂથોને રૂપિયા 753.43 કરોડ કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું છે.

રાજ્યના કૂલ 1,18,000 સ્વ-સહાય જૂથોને રૂપિયા 37,667 કરોડની કેશ ક્રેડિટ અપાઈ

આટલું જ નહિ, સ્વ-સહાય જૂથોને સરળતા અને તેમના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવાની જરૂરિયાત મુજબ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ રૂપિયા 10,000 કેશ ક્રેડિટ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજ્યના કૂલ 1,18,000 સ્વ-સહાય જૂથોને રૂપિયા 37,667 કરોડની કેશ ક્રેડિટ આપવામાં આવી છે. ગ્રામ્ય સ્તરે પાંચ જેટલા સ્વ-સહાય જૂથો એકઠા થઈને એક ગ્રામ સંગઠન(VO)ની તેમજ 10 જેટલા ગ્રામ સંગઠનો એકઠા થઈને એક ક્લસ્ટર લેવલ ફેડરેશન(CLF)ની રચના કરી શકે છે. હાલ ગુજરાતમાં કુલ 11,151 ગ્રામ સંગઠનો અને 923 જેટલા ક્લસ્ટર લેવલ ફેડરેશન કાર્યરત છે. ગ્રામ સંગઠનો અને ક્લસ્ટર લેવલ ફેડરેશનો વધુમાં વધુ મહિલાઓને રોજગારી પ્રદાન કરી શકે તેવા શુભ આશયથી રાજ્ય સરકાર દ્વારા VO અને CLFને પણ વિશેષ સહાય આપવામાં આવે છે.

ભારત સરકારના નિર્દેશ અનુસાર રાજ્યમાં ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. દ્વારા દર વર્ષે બે વાર “સરસ મેળા”નું આયોજન કરવામાં આવે છે. સરસ મેળામાં આશરે 150 જેટલા સ્ટોલ તૈયાર કરીને સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરેલી ચીજ-વસ્તુઓનું વેચાણ કરવા માટે એક યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા કક્ષાએ પ્રાદેશિક સરસ મેળાઓનું આયોજન કરીને સ્વ-સહાય જૂથોને રાજ્ય સરકાર મદદરૂપ થઇ રહી છે. આ વર્ષે 33 જિલ્લામાં 33 સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વ-સહાય જૂથો દ્વારા કુલ રૂપિયા 365 લાખથી વધુનું વેચાણ નોંધાયું હતું.

24 કલાક બેંકિંગ સુવિધા

સ્વ-સહાય જૂથો સાથે સ્થાનિક સ્તરના બેંક વ્યવહારોને સરળ બનાવવા અને 24 કલાક બેંકિંગ સુવિધા પૂરી પાડવા માટે “બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખી”ની પણ નિમણૂક કરવામાં આવે છે. જેમાં પણ સ્વ-સહાય જૂથની કુલ 4800 મહિલાઓની બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ બૅન્કિંગ કોરોસ્પોન્ડસ સખીને 6 મહિના સુધી મહીને રૂપિયા 4000 પ્રોત્સાહન રકમ અને માળખાકીય સુવિધા માટે કોઈપણ વ્યાજ વગર રૂપિયા 70,000ની લોન પણ ગ્રામ સંગઠન દ્વારા આપવામાં આવે છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button